રોમિલા થાપર | |
---|---|
![]() | |
જન્મની વિગત | લખનૌ, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત | 30 November 1931
શિક્ષણ સંસ્થા | પંજાબ યુનિવર્સિટી SOAS યુનિવર્સિટી ઓફ લંડન (પીએચડી) |
વ્યવસાય | ઇતિહાસકાર |
પ્રખ્યાત કાર્ય | ભારતીય ઇતિહાસ સંબંધી પુસ્તકો માટે |
પુરસ્કારો | પદ્મભૂષણ |
રોમિલા થાપર (૩૦ નવેમ્બર ૧૯૩૧) ભારતીય ઇતિહાસકાર છે. પ્રાચીન ભારત તેમના અધ્યયનનો મુખ્ય વિષય રહ્યું છે. તેમણે હિસ્ટરી ઓફ ઇન્ડિયા સહિત ઇતિહાસ સંબંધિત ઘણા પુસ્તકો લખ્યાં છે.
રોમિલા થાપરનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૩૧ના રોજ લખનૌના એક સંપન્ન પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા દયારામ થાપર ભારતીય સશસ્ત્ર બળમાં ચિકિત્સા સેવાના મહાનિદેશક હતા. પિતાની સૈન્ય નોકરીના કારણે તેમનું પ્રારંભિક શિક્ષણ દેશના વિવિધ શહેરોમાં થયું. બાદમાં તેમણે પુણેની વાડિયા કોલેજ ખાતે ઈન્ટરમિડિએટ્સ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ૧૯૫૮માં લંડન વિશ્વવિદ્યાલયના સ્કૂલ ઓફ ઓરિએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડિઝ ખાતે એ.એલ. બાશમના માર્ગદર્શન હેઠળ ભારતીય ઇતિહાસમાં પીએચડીની પદવી મેળવી.[૧] દિવંગત પત્રકાર રોમેશ થાપર તેમના ભાઈ હતા જ્યારે કરણ થાપર તેમના પિતરાઈ ભાઈ છે.[૨]
તેમણે ૧૯૬૧-૬૨માં કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ વિષયના રીડર તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૬૩ થી ૧૯૭૦ દરમિયાન દિલ્હી વિશ્વવિદ્યાલય ખાતે રીડર તરીકે ફરજ બજાવ્યા બાદ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન ભારતીય ઇતિહાસના પ્રોફેસર તરીકે જોડાયા.[૩]
તેમનું લેખન કાર્ય મુખ્યત્ત્વે પ્રાચીન ભારતના ઇતિહાસ પર કેન્દ્રિત રહ્યું છે. તેમણે પ્રાચ્યવાદી નિરંકુશતા, આર્ય પ્રજાતિ અને અશોકની અહિંસા સંબંધી સ્થાપિત માન્યતાઓનું ખંડન કરી પ્રાચીન ઇતિહાસને એક નવા પરિપેક્ષમાં રજૂ કર્યો.[૪] તેમનું કાર્ય સામાજિક ઇતિહાસના ક્ષેત્રમાં અગ્રગણ્ય છે. તેમણે સંસ્કૃતિ, સમાજ અને ઇતિહાસ વચ્ચેની કડીઓની ભાળ મેળવી. ઉપરાંત એ પણ સંશોધન કર્યું કે ઇતિહાસ કેવી રીતે બને છે અને કેવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે.
રોમિલા થાપર કોર્નેલ વિશ્વવિદ્યાલય, પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલય તેમજ પેરિસની કોલેજ ડી ફ્રાંસમાં વિઝિટીંગ પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ ૧૯૮૩માં ભારતીય ઇતિહાસ કોંગ્રેસના જનરલ પ્રેસિડેન્ટ અને ૧૯૮૯માં બ્રિટીશ અકાદમીમાં કોરસ્પોન્ડીંગ ફેલો તરીકે ચુંટાયા હતા.[૫] તેઓને ૧૯૯૩માં પરદેનિયા વિશ્વવિદ્યાલય (શ્રીલંકા) તથા શિકાગો વિશ્વવિદ્યાલય, ૨૦૦૧માં ઇન્સ્ટીટ્યુટ નેશનલ લેંગ્સ એટ સિવિલાઇજેશન્સ ઓરિએન્ટલ (પેરિસ), ૨૦૦૨માં ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય, કલકત્તા વિશ્વવિદ્યાલય (૨૦૦૨), [૬]એડિનબર્ગ વિશ્વવિદ્યાલય (૨૦૦૪) તથા હૈદરાબાદ વિશ્વવિદ્યાલય (૨૦૦૯)[૭] દ્વારા માનદ ડૉક્ટરેટની પદવી પ્રદાન કરવામાં આવી છે. ૨૦૦૯માં અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિઝના વિદેશી માનદ સદસ્ય તરીકે પસંદ કરાયા હતા.[૮] તેઓ ૨૦૧૭ સેન્ટ એન્ટોની કોલેજ, ઓક્સફોર્ડના માનદ ફેલો પણ રહી ચૂક્યા છે.[૯]