લાલ બાલ પાલ (લાલા લાજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ) ૨૦મી સદીની શરૂઆતમાં, ૧૯૦૬થી ૧૯૧૮ સુધી, બ્રિટિશ ભારતમાં મુખર રાષ્ટ્રવાદીઓની એક ત્રિપુટી હતી. તેઓએ સ્વદેશી ચળવળની હિમાયત કરી હતી જેમાં ૧૯૦૫ માં શરૂ થયેલી બંગાળમાં ભાગલા વિરોધી ચળવળ દરમિયાન ૧૯૦૭માં તમામ આયાતી વસ્તુઓનો બહિષ્કાર અને ભારતીય બનાવટની ચીજવસ્તુઓના ઉપયોગનો સમાવેશ થતો હતો.
ઓગણીસમી સદીના અંતિમ વરસો દરમિયાન કેટલાક હિંદી બૌદ્ધિકોમાં આમૂલ સંવેદના પ્રગટ થતી જોવા મળી. આ સ્થિતિ ૧૯૦૫માં સ્વદેશી ચળવળ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય સ્તર પર ઊભરી આવી હતી. સ્વદેશી ચળવળને સામાન્ય રીતે "આત્મનિર્ભરતા" તરીકે રજૂ કરવામાં આવે છે.[૧][૨][૩][૪]
લાલ બાલ પાલે બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં ભારતીયોને સંગઠિત કર્યા હતા. બંગાળમાં શરૂ થયેલા દેખાવો, હડતાલો અને બ્રિટીશ માલનો બહિષ્કાર ટૂંક સમયમાં જ બ્રિટીશ રાજ સામેના વ્યાપક વિરોધમાં દેશના અન્ય પ્રદેશોમાં પણ ફેલાઈ ગયા હતા.
રાષ્ટ્રવાદી ચળવળ તેના મુખ્ય નેતા બાલ ગંગાધર તિલકની ધરપકડ અને બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષની સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ સાથે ધીમે ધીમે મંદ પડી ગઈ.[૧] પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટના લાઠીચાર્જના કારણે લાલા લાજપતરાયને ઈજાઓ થઈ હતી અને પરિણામે ૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ તેમનું અવસાન થયું.[૫]