લુણી ભારતના રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલી એક નદી છે. તે અજમેર નજીક પુષ્કર પાસે અરવલ્લી ગિરિમાળાઓમાંથી નીકળે છે અને થરના રણના દક્ષિણપૂર્વ વિભાગમાંથી પસાર થઇને ગુજરાતના કચ્છના રણમાં ૪૯૫ કિમીનો પ્રવાસ કરીને સમાઇ જાય છે. તે પ્રથમ સાગરમતી તરીકે જાણીતી છે, ત્યારબાદ ગોવિંદગઢ માંથી પસાર થયા બાદ તે તેની સહાયક નદી સરસુતીને મળે છે, જે પુષ્કર તળાવમાંથી નીકળે છે, ત્યાર પછી તેનું નામ લુણી છે.[૧]
૧૮૯૨માં, જોધપુરના મહારાજા જસવંત સિંહે જોધપુર જિલ્લાના ભિલારા અને ભાવી વચ્ચે પિછિયાક ગામમાં જસવંત સાગર તળાવ બંધાવ્યું હતું. આ ભારતના સૌથી મોટા કૃત્રિમ તળાવોમાંનું એક છે અને ૧૨,૦૦૦ એકર્સ (૪૯ ચોરસ કિમી) જેટલી જમીનને સિંચાઇની સગવડ પૂરી પાડે છે.[૧]
લુણી નદી લવણાવતી તરીકે પણ જાણીતી છે, જેનો અર્થ સંસ્કૃતમાં "મીઠાની નદી" થાય છે, જે નામ તેના અત્યંત ખારા પાણીને કારણે પડ્યું છે.[૧]
લુણી નદીનો પટ વિસ્તાર ૩૭,૩૬૩ ચોરસ કિમી છે, જે અજમેર, બાડમેર, જાલોર, જોધપુર, પાલી અને શિરોહી જિલ્લાઓનો સમગ્ર અથવા ભાગ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને આવરે છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં ડાબી બાજુએથી સુખરી, મીઠરી, બાંડી, ખારી, જવાઇ ગુહિયા અને સાગી તેમજ જમણી બાજુએથી જોહરી નદીનો સમાવેશ થાય છે.
લુણી નદી અજમેર નજીક પશ્ચિમ અરવલ્લી પર્વતમાળાની પુષ્કર ખીણમાં ૫૫૦ મીટરની ઉંચાઇએ ઉદ્ભવે છે. આ જગ્યાએ નદીને સાગરમતી તરીકે ઓળખવામાં આવે છે. નદી ત્યારબાદ દક્ષિણપશ્ચિમે રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં વહે છે. નદી દક્ષિણ-પશ્ચિમમાં વહે છે અને થરના રણમાં પ્રવેશે છે અને ત્યાંથી કચ્છના રણમાં કુલ ૪૯૫ કિમીનું અંતર કાપીને વિલિન થાય છે. ક્ષારનું પ્રમાણ વધુ હોવા છતાં, આ નદી વિસ્તારની મુખ્ય નદી છે અને સિંચાઇનો મુખ્ય સ્ત્રોત છે. લુણી નદી બાલોત્રા પહોંચે ત્યાં સુધી ક્ષારવાળી નથી, ત્યાંથી જમીનમાં રહેલાં ઉંચા ક્ષારને કારણે તે ખારી બની જાય છે.
લુણી નદી ઐતહાસિક ઘાઘર-હાકરા નદી જાળનો દક્ષિણી ભાગ હોવાની શક્યતા છે.