વલ્લભ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. અમદાવાદમાં જન્મેલા તેઓ પછીથી બહુચરાજી જઈને વસ્યા કારણકે તેઓ બહુચર માતાના ભક્ત હતા. તેઓ તેમના ગરબાઓ, ખાસ કરીને 'આનંદનો ગરબો' માટે જાણીતા છે.
તેમના જીવન વિષે ખાસ માહિતી ઉપલબ્ધ નથી. તેમની રચનાઓ અને લોકકથાઓમાંથી એમના જીવન વિષે કેટલીક માહિતી મળે છે. તેઓ જન્મે ભટ્ટ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમનો જન્મ અમદાવાદના નવાપુરા પરામાં આસો સુદ આઠમના દિવસે વિક્રમ સંવત ૧૬૯૬માં થયો હતો.[શંકાસ્પદ ][૧][૨] તેઓ અમદાવાદથી ચુંવાળ (હાલ બહુચરાજી) આવીને વસ્યા. તેઓ અને તેમના ભાઈઓ પાંચ વરસની ઉંમરે યજ્ઞોપવીત થયા અને થોડો સમય પરમાનંદ સ્વરૂપ બ્રહ્મચારીની નીચે ભણ્યા. તેઓ શરૂઆતમાં વિષ્ણુના અવતાર શ્રીનાથજીના ભક્ત હતા પરંતુ પાછળથી શક્તિપૂજક બન્યા. તેમણે લગ્ન કર્યા નહતા. તેમની કવિતા પરથી જણાય છે કે, તેમણે સંસ્કૃતનો અભ્યાસ કરેલો હતો. તેમના ત્રણ ભાઈ હતા; હરિ, ધોળા અને ત્રીજાનું નામ પ્રાપ્ય નથી. હરિ અને ધોળા પણ કવિ હતા. તેમણે તેમનો પ્રથમ ગરબો, આનંદનો ગરબો, સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજના દિવસે તેર વરસની ઉંમરે લખ્યો હતો જે એમના ગરબાના શબ્દો પરથી જાણી શકાયું છે.[૧][૨][૩]
"સંવત દસ શત્ સાત નેવું ફાલ્ગુન સુદેમા...તિથિ તૃતિયા વિખ્યાત શુભ વાસર બુધે મા.."
— વલ્લભ ભટ્ટ, આનંદનો ગરબો[૧]
તેમણે બહુચર માતાને સંબોધીને લખેલા ગરબા આજે પણ ગુજરાતમાં પ્રચલિત છે. તે અને તેમના ભાઈઓના નામ આજે પણ બહુચર માતાના મંદિરમાં આરતી પછી બોલાતી જયમાં વણી લેવાયા છે; જેમકે વલ્લભ-ધોળાની જય અથવા વલ્લભ-હરિની જય.[૧][૨]
તેમનું મૃત્યુ સંવત ૧૮૦૭ની આસો સુદ આઠમના રોજ થયું.[શંકાસ્પદ ][૪]
નર્મગદ્યમાં વલ્લભ ભટ્ટ વિષે એક લોકકથા નોંધવામાં આવી છે.[૨] એવું કેહવાય છે કે એકવાર તેઓ શ્રીનાથજીના દર્શન માટે નાથદ્વારા ગયા. ત્યાં તેમનાથી ભૂલથી થુંકાઈ જતા લોકોએ તેમની ટીકા કરી. તેમણે વળતો જવાબ આપ્યો કે માતાપિતા તેમના સંતાનોને તેમના ખોળામાં થુંકે તોય વઢતા નથી. મંદિરના પૂજારીઓએ કહ્યું માતા કદાચ ન વઢે પણ પિતા તો વઢે જ અને શ્રીનાથજી પુરુષ છે. આથી વલ્લભ ભટ્ટે શ્રીનાથજીની ભક્તિ છોડી સ્ત્રી સ્વરૂપ શક્તિ એટલેકે બહુચર માતાની ભક્તિ શરુ કરી.[૩][૫]
વલ્લભ ભટ્ટે પ્રથમ લાવણી લખી જે માતાજીને અનુલક્ષીને લખાયેલ હતી. લાવણી એ ચોક્કસ તાલમાં લખાયેલ કવિતા છે. તેમણે ઘણાં ગરબા, ઢાળ, પદ, આરતીઓ લખી છે જે બહુચર માતાને અનુલક્ષીને લખાઈ છે. આ ઉપરાંત કેટલીક રચનાઓ ધાર્મિક અને પૌરાણિક પાત્રોને અનુલક્ષીને પણ લખી છે.[૨][૬][૪]
તેમની જાણીતી રચનાઓમાં આનંદનો ગરબો, કૃષ્ણવિરહના પદ, ચોસઠ જોગણીઓનો ગરબો, બહુચરાજીના પદ, રામચંદ્રજીના પદ, આરાસુરનો ગરબો, શણગારનો ગરબો, મહાકાળીનો ગરબો, કલિકાળનો ગરબો, સત્યભામાનો ગરબો, આંખમીંચામણાનો ગરબો, કમલાકંઠના બાર મહિના, વ્રજ્રવિયોગ, કજોડાનો ગરબો, ધનુષધારીના વર્ણન, અંબાજીના મહિના, બહુચરાજીની આરતી, બહુચરાજીની ગાગર, બહુચરાજીનો રંગ પદસંગ્રહ, રંગ આરતી, છૂટક પદ, શ્રીચક્રનો ગરબો, અંબાજીનો ગરબો, રામવિવાહ, અભિમન્યુનો ચકરાવો વગેરેનો સમાવેશ થાય છે.[૭]