વિરાટપર્વમહાભારતના ૧૮ પર્વો પૈકીનું ચોથું પર્વ છે.[૧][૨] વિરાટપર્વમાં પાંચ ઉપપર્વો અને ૭૨ અધ્યાય છે.[૩][૪] મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં વિરાટ પર્વમાં ચાર ઉપપર્વ અને ૬૭ અધ્યાય છે.[૫][૬]
આ પર્વમાં તેરમા વર્ષમાં પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરમાં રહે છે તેની કથા છે. શરત મુજબ જો આ અજ્ઞાતવાસ દરમિયાન તેઓની ઓળખ જાહેર થઈ જાય તો ફરીથી વનવાસ ભોગવવો પડે. જો કે, તેમની સાથે ધર્મરાજનું વરદાન હતું કે તેઓની ઓળખ જાહેર નહીં થાય.[૩] ધર્મરાજાએ તેમને ઇચ્છિત દાસ કર્મ નક્કી કરીને તેનો વેશ ધારણ કરવાનું કહ્યું હતું. તે મુજબ મત્સ્યદેશના વિરાટ રાજાની રાજધાની વિરાટ નગરની પસંદગી કરે છે.[૭] ત્યાર બાદ પાંડવો અને દ્રૌપદી પોતપોતાના પસંદ કરેલાં સેવા કાર્યો જણાવે છે. યુધિષ્ઠિર કંક નામે બ્રાહ્મણ વેશમાં ત્યા રહેવાનું પસંદ કરે છે. તે જ રીતે ભીમ બલ્લવ નામે રસોયાનું કામ કરવાનું જણાવે છે. અર્જુન બૃહન્નલા નામે વ્યંઢળ બનીને રહી નૃત્ય, સંગીત અને વાજિંત્રોના શિક્ષક તરીકે રહેવાનું નક્કી કરે છે. નકુલ ગ્રન્થિક નામે અશ્વપાલ તરીકે અને સહદેવ તન્તિપાલ તરીકે ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કરવાનું પસંદ કરે છે. દ્રૌપદી માલિની નામ ધારણ કરીને એક સૈરન્ધ્રી તરીકે ત્યાં રહેવાનું જણાવે છે.[૮][૧]
આ ઉપપર્વની શરૂઆતમાં પાંડવો પરસ્પર વિચાર વિમર્શ કરીને પાંચાલ, ચેદિ, મત્સ્ય, શૂરસેન, દર્શાણ, શાલ્વ, વિશાલ કુંતીરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર તથા અન્ય પ્રમુખ સલામત દેશ પર વિચાર કરી છેવટે મત્સ્યદેશના વિરાટ રાજાની રાજધાની વિરાટ નગરની પસંદગી કરે છે.[૧૦] ત્યાર બાદ પાંડવો અને દ્રૌપદી પોતપોતાના પસંદ કરેલાં સેવા કાર્યો જણાવે છે. યુધિષ્ઠિર જણાવે છે કે હું દ્યૂતક્રીડામાં પારંગત છું, તેથી હું કંક નામ ધારણ કરીને બ્રાહ્મણના વેશમાં વિરાટ રાજાનો અંગત સેવક બનીશ. જો મને મત્સ્ય નરેશ ઓળખાણ પૂછશે, તો હું જણાવીશ કે હું પહેલાં મહારાજ યુધિષ્ઠિરનો મિત્ર હતો. ભીમસેન કહે છે, હું રસોયો બનીશ અને સાથે જ મત્સ્યદેશમાં કોઈ મલ્લ આવશે, તો હું તેની સાથે યુદ્ધ કરીને રાજાનું મનોરંજન પણ કરીશ. હું મારી ઓળખાણ આપીશ કે મહારાજ યુધિષ્ઠિરના હાથીઓનો શિક્ષક હતો સાથે સાથ બળશાળી બળદોને નાથીને તેમને કાબુમાં લેતો. અર્જુન કહે છે કે હું વિરાટ નગરમાં રાજાને કહીશ કે હું નપુંસક છું અને મારું નામ બૃહન્નલા છે. હું રાજ કુટુંબ અને નગરવાસીઓને નૃત્ય અને સંગીત શિખવાડીશ. મારી ઓળખાણ આપતાં હું કહીશ કે હું મહારાજ યુધિષ્ઠિરને ત્યા મહારાણી દ્રોપદીની પરિચારિકા હતી. નકુલ કહે છે કે હું ગ્રન્થિક નામ ધારણ કરીને અશ્વપાલની ભૂમિકા ભજવીશ. હું મારી ઓળખાણમાં કહીશ કે હું અશ્વ અધ્યક્ષ તરીકે મહારાજ યુધિષ્ઠિરને ત્યાં કામ કરતો હતો. સહદેવ કહે છે કે હું રાજા વિરાટને ત્યાં તન્તિપાલ નામે રાજા વિરાટને ત્યાં ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કરીશ. જો કે તે પોતાનું ઘરનું નામ અરિષ્ટનેમિ જણાવે છે. દ્રૌપદી કહે છે કે હું માલિની નામ ધારણ કરીને સૈરન્ધ્રી સ્વરૂપે મહારાણી સુદેષ્ણાની પરિચારિકા તરીકે રહીશ. હું મારી ઓળખાણ દ્રૌપદીની પરિચારિકા હતી. વિરાટ નગરની બહાર સ્મશાન પાસે એક ઊંચી ટેકરી હતી તેના ઉપર એક ઘટાદાર વૃક્ષની ડાળીઓ વચ્ચે સૌએ પોતાના અસ્ત્રશસ્ત્ર છુપાવી દીધાં. તેઓ પરસ્પરની સંજ્ઞા માટે પોતાનાં નામ જય, જયન્ત, વિજય, જયત્સેન અને જયદ્વલ નક્કી કરીને મા દુર્ગાની સ્તુતિ કરી. માએ તેમને આશીર્વાદ આપ્યા અને તેઓ વિરાટનગરમાં પ્રવેશ્યા. યુધિષ્ઠિર કંક નામે, ભીમ બલ્લવ નામે, અર્જુન બૃહન્નલા નામે, તથા નકુલ, સહદેવ અને દ્રોપદી અનુક્રમે ગ્રન્થિક, તન્તિપાલ અને માલિની નામે વિરાટ રાજાને ત્યાં પોતાના ઇચ્છિત પદો પર કામ કરે છે.[૧૧][૧૨] આમ, આ પર્વમાં પાંડવોનું વિરાટ નગરમાં જીવન અને કર્મનું વર્ણન છે.
૨. સમયપાલનપર્વ
આ પર્વમાં ભીમ એક ઉત્સવના ભાગ રૂપે યોજાયેલી સ્પર્ધામાં રાજાની આજ્ઞા હોવાથી જીમૂત નામના પહેલવાનની સામે મલ્લયુધ કર્યું અને યુદ્ધમાં જમૂતનું મૃત્યુ થયું.[૧૩]
વિરાટ રાજાના સૈન્યનો સેનાપતિનું નામ કીચક હતું. તે રાજા વિરાટનાં પત્ની સુદેષ્ણાનો ભાઈ હતો. એક વખત તેની દૃષ્ટિ સૈરંધ્રી માલિની પર પડે છે અને તે મોહાંધ થઈ જાય છે. તે પોતાના મોહની વાત પોતાની બહેન સુદેષ્ણાને કરે છ. સુદેષ્ણાને પૂછીને તે દ્રૌપદી પાસે આવીને પૂછે છે કે તું કોણ છે અને તારા પિતા કોણ છે ? તત્પશ્ચાત તે લંપટ દ્રૌપદીના અંગોનું વર્ણન કરીને પોતે કામથી ઘવાયો હોવાનું કહી માલિનીને પોતાને વશ થવા કહે છે. દ્રૌપદી તેની વાત ઠુકરાવી દે છે અને કહે છે કે પરસ્ત્રીની લાજ રાખવી તે પુરુષધર્મ છે તેમ કહીને પુરુષોના સદ્ગુણોનું વર્ણન કરે છે. છતાં જ્યારે કીચક માનતો નથી ત્યારે સૈરંધ્રી કહે છે કે ગંધર્વો દ્વારા મારી રક્ષા થાય છે, તું મને ઓળખતો નથી માટે આમ ભાન ભૂલ્યો છે, હજુ સમય છે તારા મોહને મારી નાખ. આ વાત સાંભળીને કીચક પોતાની બહેન પાસે જઈને કહે છે, કે હું આ દાસીના પ્રેમમાં છું, ગમે તેમ કરીને પણ તે મારા કક્ષમાં આવે તેવો તું પ્રબંધ કર. સુદેષ્ણા સમજાવે છે કે જ્યારે સૈરન્ધ્રી મારી પાસે આવી ત્યારે તેણે કહ્યું હતું કે પાંચ ગંધર્વો તેની રક્ષા કરે છે, જો તેનું અપમાન થશે તો ગંધર્વો સર્વનાશ કરશે. માટે તું સમજી જા કે આ રસ્તો સારો નથી. પરંતુ આખરે સુદેષ્ણા પોતાના ભાઈની કામવાસના વિષે વિચાર કરીને તેને એક યુક્તિ બતાવે છે કે તું તારા નિવાસ સ્થાને કોઈ સારા તહેવારે સુંદર ભોજન અને મદિરા બનાવડાવ અને હું સૈરંધ્રીને સુરા લેવાના બહાને તારે ત્યાં મોકલીશ. એક દિવસ આ યોજના મુજબ સુદેષ્ણા સૈરન્ધ્રીને કીચકને ત્યાં મોકલે છે. કીચક જ્યારે સૈરંધ્રી સાથે જોર અજમાવે છે ત્યારે તે ભાગીને રાજ દરબારમાં જતી રહે છે. ત્યાં રાજા દ્યૂતક્રીડા કરતા હોય છે, કંક અને બલ્લવ પણ ત્યાં હાજર હોય છે. રાજા અને દ્રૌપદી વચ્ચે ત્યાં સંવાદ થાય છે, રાજા મૃદુ ભાષામાં તેના સેનાપતિ કીચકને સમજાવે છે પરંતુ કીચક દ્રૌપદીને લાત મારે છે. યુધિષ્ઠિર ઇશારાથી ભીમને રોકે છે અને યુક્તિપૂર્વક દ્રૌપદીને રાણી કક્ષમાં મોકલી દે છે.
આટલી વાત સાંભળીને ઋષિઓ વૈશમ્પાયનજીને પ્રશ્ન કરે છે કે, આટલો નરાધમ પુત્ર (કીચક) કોને ત્યાં જન્મ્યો તે અમને કહો. ત્યારે તેઓ કીચકની વાત કરે છે. તેઓ કહે છે કે, જે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ માતાનું સંતાન હોય તેને સૂત કહેવાય છે. સૂત પોતે ક્ષત્રિયોથી નીચે પણ વૈશ્યોથી ઉચ્ચ ગણાય છે, તેમને કોઈ ક્ષત્રિય રાજ્ય નથી મળતું તમને સૂત રાજ્ય જ મળે છે. વળી, તેઓ તેવું રાજ્ય તે કોઈ ક્ષત્રિયની સદા સેવા કરીને જ પ્રાપ્ત કરી શકે છે. તેઓ માટે સારથિનું સ્થાન છે. મહાન રાજા કેકય પણ સૂતોના અધિપતિ હતા. તેઓ પણ સારથિ હતા. કીચકની માતા માલવીને ઘણા પુત્રો હતા, પણ તેમાં કીચક જયેષ્ઠ હતો. તેમને એક પુત્રી પણ હતી તે આગળ જતાં વિરાટ રાજાની પટરાણી બની. વિરાટની પ્રથમ પત્ની સુરથા કોશલ દેશની રાજકુમારી હતી તેને શ્વેત નામે પુત્ર હતો પરંતુ સુરથાના મૃત્યુ બાદ વિરાટ રાજાએ કેકયીની કુંવરી અને કીચકની બહેન સુદેષ્ણા સાથે વિવાહ કર્યા હતા. રાજા વિરાટ અને સુદેષ્ણાને ઉત્તર અને ઉત્તરા નામે બે સંતાનો થયાં. વિરાટ રાજા તરફથી યુદ્ધ કરીને કીચકે ઘણા રાજ્યોને હરાવીને પોતાને આધીન કર્યાં હતાં. જેમાં મેખલ, ત્રિગર્ત, દશાર્ણ, કશેરુક, માલવ, યવન, પુલિન્દ ઉપરાંત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.
રાજ દરબારના આ બનાવની રાત્રે જ દ્રૌપદી ભીમના કક્ષમાં જાય છે. ત્યાં ભીમ-દ્રૌપદીનો સંવાદ થાય છે. આખરે ભીમ તેને કહે છે, કે તું આજે રાત્રે કીચકને એકલા મળવાનું આમંત્રણ આપી નૃત્યશાળામાં બોલાવી લે. ત્યાર બાદની બધી વાત મારા પર છોડી દે. તે રાત્રે મોહાંધ કીચક નૃત્યશાળામાં આવે છે, જ્યાં ભીમસેન અગાઉથી જ એક ચૂંદડી ઓઢીને પલંગ પર સુતા હોય છે. કીચક તેને જ સૈરંધ્રી સમજીને પોતાનો પ્રેમ પ્રકટ કરે છે, ભીમ એકદમ ઉભા થઈને તેની સાથે યુદ્ધ ચાલુ કરે છે. બન્ને બળિયા એકબીજા સાથે લડે છે અને ભીમસેન આખરે કીચકનો વધ કરે છે.
કીચકનો વધ થાય છે ને થોડીવારમાં તેના ભાઈઓ ત્યાં આવે છે. ત્યાં સૈરંધ્રીને જોતાં કહે છે, કે આ જ કીચકના મૃત્યુનું કારણ છે. તેથી તેને જ મારી નાખવી જોઈએ. આમ કહીને તેઓ રાજા પાસે જાય છે અને કહે છે, કે કીચકના અંતિમ સંસ્કાર થતાં જ સૈરંધ્રીને પણ આત્મદાહ કરાવવો જોઈએ અને અમને તેની અનુમતિ આપો. વિરાટ રાજા તેમને તે અનુમતિ આપે છે. ત્યાર બાદ તેઓએ સૈરંધ્રીને કીચકની લાશ સાથે બાંધી દીધી અને તેને લઈને સ્મશાન તરફ પ્રયાણ કર્યું. દ્રૌપદી ચિત્કાર કરીને પાંડવોને જય, જયન્ત, વિજય, જયત્સેન અને જયદ્વલ નામથી પોકારે છે. ભીમ તે સાંભળીને તેને બચાવવા પાછળ જાય છે અને તમામ એકસો પાંચ ઉપકીચકો (કીચકના ભાઈઓ)નો વધ કરે છે. આ દૃશ્ય જેમણે જોયું તે સૌ નગરજનો રાજાને જઈને કહે છે, કે એક ગંધર્વે સૌ કીચકોનો વધ કરી નાખ્યો. હવે સૈરંધ્રીની રક્ષા કરતા ગંધર્વો આપણા નગર પર પણ ગુસ્સે થશે તેથી હે રાજન ! આપ ગંધર્વના ક્રોધથી નગરને બચાવો. આ વાત સાંભળીને વિરાટ રાજા પોતાની પત્નીને જઈને કહે છે, કે તે સૈરંધ્રીને નગર છોડીને જતા રહેવાનું કહે કારણકે ગંધર્વના ક્રોધથી મારો અને નગરનો નાશ થઈ જાય તે મને મંજૂર નથી. સૈરન્ધ્રી આવતાં જ સુદેષ્ણા તેને રાજાનો સંદેશ આપે છે. સૈરંધ્રી કહે છે મારા ગંધર્વોનું મહાન કાર્ય પૂરું થવામાં ફક્ત તેર જ દિવસ બાકી છે, ત્યાર બાદ તેઓ મને આવીને લઈ જશે માટે તેટલો સમય મને રહેવા દો. સુદેષ્ણા તેને કહે છે, તારે જેટલું રહેવું હોય તેટલું રહે પણ ગંધર્વોના ક્રોધથી અમને બચાવ.
તેરમા વર્ષમાં અજ્ઞાતવેશમાં વિચરતા પાંડવોને ઓળખીને ખુલ્લા કરવા માટે દુર્યોધને મોકલેલા ગુપ્તચરો દુર્યોધન, કર્ણ, ઇત્યાદિની હાજરીમાં રાજદરબારમાં આવીને સમાચાર આપે છે કે ક્યાંય પાંડવોની ભાળ મળતી નથી. જો કે, તેઓ કહે છે કે હે રાજન ! એક શુભ સમાચાર એ છે કે જેણે ત્રિગર્તદેશ અને તેના પ્રજાજનોને તહસ નહસ કરી નાખ્યા હતા, તેવો મહા બળશાળી યોદ્ધો અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક તેના ૧૦૫ સહોદરો સહિત કોઈક અજાણ્યા ગંધર્વના હાથે માર્યો ગયો છે. ત્યાર બાદ દુર્યોધન કર્ણ અને અન્ય સાથીઓ સાથે પરામર્શ કરે છે. કર્ણ તેને વધુ કૌશલ્ય ધરાવતા ગુપ્તચરોને મોકલીને સાધુ મહાત્માઓ, ઋષિઓના આશ્રમો ઇત્યાદિ જગ્યાએ શોધવાની સલાહ આપે છે. સાથે જ એ શક્યતા બતાવે છે કે કદાચ ચતુર પાંડવો સમુદ્ર પાર જતા રહ્યા હોય અથવા તો વનમાં જ પ્રાણીઓ તેમનું ભક્ષણ કરી ગયા હોય. દ્રોણાચાર્ય કહે છે કે આટલા ધર્મપરાયણ પાંડવોનો નાશ થવો શક્ય નથી. વળી, તેમને સરળતાથી ઓળખી કાઢવા પણ કપરું કામ છે. માટે ખૂબ જ ચોકસાઈથી તેમને શોધવા જોઈએ. ભીષ્મપણ આ વાત સાથે સહમત થાય છે. વળી, તેઓ કહે છે કે જેણે સમ્રાટ બનવું હોય તેણે તો તેના નાનામાં નાના દુશ્મનને પણ અવગણવો ન જોઈએ, તો આ તો મહાપરાક્રમી પાંડવો જેવા શત્રુ છે. માટે ત્વરિત રીતે તેમની ભાળ મેળવવી જોઈએ. આ વાર્તાલાપ બાદ દુર્યોધન કહે છે કે આ ભૂતલ પર સૌથી વધુ શક્ત, આત્મબળ, બાહુબળ, ધૈર્ય હોય અને જે શારીરિક શક્તિમાં ઇન્દ્ર જેવા હોય તેવા ફક્ત ચાર વ્યક્તિઓ છે, તેમ મેં સાંભળ્યું છે અને હું માનું છું. તે ચાર વ્યક્તિઓ એટલે બળદેવ, ભીમસેન, શલ્ય અને કીચક. તેઓ સમાન બળવાન છે અને તેથી જ પરિસ્થિતિ અનુકૂળ થતાં એકબીજાને હરાવી શકવાની ક્ષમતા રાખે છે. તેમાંથી કીચકનો વધ થતાં હું એમ માનું છુ કે વિરાટ નગરમાં કીચકનો વધ ભીમસેને જ કર્યો છે. તેથી પાંડવો જીવિત છે તેવો મારો મત છે. મને ખાત્રી છે કે સૈરન્ધ્રી એ જ દ્રૌપદી છે. આમ હવે સમય વ્યતીત કરવાના બદલે આપણે વિરાટ નગર પર આક્રમણ કરવું જોઈએ.
વળી, આ સાંભળીને ત્રિગર્ત દેશના રાજ સુશર્માએ કહ્યું કે અમારા પર મત્સ્ય અને શાલ્વ દેશના સૈનિકોએ ઘણીવાર ચઢાઈ કરીને અમને હેરાન કર્યા છે. હવે કીચક નથી તેથી તેમનો ગર્વનાશ કરવાની આ તક ગુમાવવી ન જોઈએ. એટલે જો તમે કહેતા હોય તો કૌરવ સેના સહિત કર્ણ અને અમારા સૈનિકોની સેના સાથે આપણે મત્સ્ય દેશ પર આક્રમણ કરીએ. દુર્યોધન તેની સાથે સહમત થઈને યોજના બનાવે છે કે પહેલા ત્રિગર્ત સેના વિરાટ નગર પર આક્રમણ કરે અને તેના બીજા દિવસે કૌરવ સેના પણ વિરાટ નગર પર આક્રમણ કરે. આ યોજના મુજબ તે મહિનાની કૃષ્ણ પક્ષની સપ્તમીએ ત્રિગર્ત સેના વિરાટ નગરના ગોપાલકો પર આક્રમણ કરીને ગોધન રાજ્યની સીમાથી દૂર વાળે છે. તેમાંથી એક ગોપ રાજ દરબારમાં જઈને વિરાટને આક્રમણના સમાચાર આપે છે. વિરાટ, સેનાપતિ સૂર્યદત્ત (જેઓ શતાનીકના નામે પણ જાણીતા છે), વિરાટના જયેષ્ઠ પુત્ર શંખ સૌ આયુધોથી સજ્જ થઈને નીકળતા હોય છે, ત્યારે કંક (યુધિષ્ઠિર) તેમને કહે છે, હું બ્રાહ્મણ છું પણ મેં પણ યુદ્ધકલામાં મહારત મેળવી છે, તમારો રસોયો બલ્લવ, તેમજ તન્તિપાલ અને ગ્રન્થિક પણ મારી માન્યતા પ્રમાણે યુદ્ધ કૌશલ્યોમાં પારંગત છે. તો તેમને પણ સાથે રાખીએ. સૌ સહમત થાય છે. ગોધનના પગલાંની નિશાનીને પકડીને વિરાટ સૈન્ય ત્રિગર્તોનો પીછો કરે છે. ભયંકર યુદ્ધ થાય છે અને રાત્રિ દરમિયાન ચંદ્રના પ્રકાશમાં પણ યુદ્ધ ચાલુ રહે છે. પણ તેવામાં સુશર્મા વિરાટને બંદી બનાવી લે છે. આ જોઈને યુધિષ્ઠિર ભીમસેનને સુશર્માનો પીછો કરવાનું કહે છે. ભીમ સુશર્મા વચ્ચે યુદ્ધ થાય છે અને ભીમ સુશર્માને બંદી બનાવે છે. જો કે ત્યાર બાદ યુધિષ્ઠિરના દયાભાવને લઈને તેને છોડી મૂકે છે અને તે વિરાટને પ્રણામ કરીને પોતાના દેશ પરત ફરે છે.
ત્રિગર્તોં સાથે યુદ્ધમાં ગયેલા વિરાટ અને તેમના સૈન્યની ગેરહાજરીમાં દુર્યોધન, ભીષ્મ, કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થાામા અને અન્ય વીરોએ વિરાટનગર પર હુમલો કરી દીધો. તે સમયે પ્રજાજનો જ્યારે રાજકુમાર ભૂમિંજયને તે સમાચાર આપે છે. ભૂમિંજયનું બીજું નામ ઉત્તર પણ છે. ત્યારે ભૂમિંજય કહે છે કે હું સર્વનો નાશ કરીશ પરંતુ આજે મેં અગાઉના એક યુદ્ધમાં ગુમાવી દીધેલા મારા મહાન સારથિની યાદ આવે છે. જો મને સારો સારથિ મળી જાય તો મારો સંતાપ દૂર થાય અને હું અર્જુન કરતાં પણ વધુ મોટું પરાક્રમ કરીને બતાવું. વળી, પોતાની આત્મપ્રશંસા કરતાં ઉત્તર કહે છે કે જો સારથિ સારો મળી જાય તો કૌરવોને તો હું ચપટીમાં ધૂળમાં મેળવી દઉં. આ સાંભળીને અર્જુન દ્રૌપદીને કહે છે કે તું ઉત્તરને કહે કે આ બૃહન્નલાએ અગાઉ અર્જુનના સારથિ તરીકે કામ કર્યું છે અને અર્જુનને ખૂબ ભયંકર યુદ્ધ જીતવામાં સહાય કરી હતી. આ સમયે અજ્ઞાતવાસનો સમય પણ પૂર્ણ થઈ ગયો હોય છે.દ્રૌપદી આ પ્રમાણે ઉત્તરને વાત કરે છે. ઉત્તર પોતાની બહેન ઉત્તરાને કહે છે કે તું બૃહન્નલાને જઈને કહે કે મારા સારથિ તરીકે આજના યુદ્ધમાં કામ કરે. ઉત્તરા નૃત્યશાળામાં જઈને અર્જુનને વિનંતી કરે છે. ઉત્તરના સારથિ તરીકે રથારૂઢ થઈને અર્જુન કૌરવો તરફ રથ હંકારી જાય છે. કૌરવોને જોઈને ઉત્તરના ગાત્રો શિથિલ થઈ જાય છે અને અર્જુનને કહે છે કે હું કૌરવો સાથે લડી નહીં શકું. કૌરવોની તો આટલી મોટી સેના સામે હું કેવી રીતે લડી શકું. મારા પિતા તો મોટી સેના લઈને ત્રિગર્તની સાથે લડવા જતા રહ્યા અને મને એકલાને આ સૂના નગરની રક્ષા કરવા મૂકી દીધો. મારી પાસે કોઈ સૈનિક પણ નથી હું કેવી રીતે લડી શકીશ ? ત્યારે બૃહન્નલા કહે છે કે સૈરન્ધ્રીએ મારા સારથ્યના વખાણ કર્યા છે માટે હું તો હવે પરત ફરીને મારી અપકીર્તિ કરી શકું તેમ નથી. માટે હે વીર ! આ ગોધનને વાળીને લઈ જતાં કૌરવોનો પીછો કરીને તેમની સમક્ષ હું તમને લઈ જઈશ. તમે તે સૌની સાથે યુદ્ધ કરો. એવામાં તો ઉત્તર રથમાંથી કૂદી પડે છે. અર્જુન તેની પાછળ ઉત્તરને પરત લઈ આવવા પોતે પણ કૂદી પડે છે. તેને જોઈને કૌરવ સેના અંદરો અંદર વાતો કરે છે કે આનો ચહેરો અને ચાલ ઢાલ તો અર્જુનને મળતો આવે છે પણ આટલા લાંબા કેશ અને હાથમાં આ લાલ ચૂંદડી લઈને વિરાટના રાજકુમારને પકડવા તેની પાછળ પડે છે. આ તો આશ્ચર્યની વાત છે. તદનન્તર અર્જુન તેને પકડીને પેલા સમીના ઝાડ પાસે લઈ જાય છે અને ત્યાંથી પોતાનું ગાંડિવ લઈ આવવા કહે છે. ઉત્તર તે હથિયાર લઈ આવે છે અને પૂછે છે કે આ હથિયાર કોનાં છે. ત્યારે અર્જુન તમામ હથિયારની ઓળખ આપે છે અને તે પાંડવ ભાઈઓમાં કોનું હથિયાર કયું છે તે જણાવે છે. ત્યારે ઉત્તર પૂછે છે કે પાંડવો ક્યાં છે. અર્જુનને ખ્યાલ છે કે તેમનો અજ્ઞાતવાસનો સમય પૂરો થઈ ગયો છે, પરિણામે તે તમામ પાંડવોની ઓળખાણ આપે છે અને કહે છે હું અર્જુન છું, કંક યુધિષ્ઠિર છે, બલ્લવ ભીમ છે, ગ્રન્થિક નકુલ છે અને જે તન્તિપાલ છે તે બીજું કોઈ નહીં પણ સહદેવ છે. વળી, સૈરન્ધ્રી તે સ્વયં દ્રૌપદી છે. ઉત્તરને આ વાત પર વિશ્વાસ નથી આવતો. તે કહે છે કે અર્જુનને તો વિવિધ નામે પ્રખ્યાત છે. તેમનાં વિજય, શ્વેતવાહન, કિરીટી, સવ્યસાચી, ફાલ્ગુન, જિષ્ણુ, બીભત્સુ, ધનંજય ઇત્યાદિ નામ પડવાની કથા મને ખબર છે તો જો તમે એ સૌ નામ કેમ પડ્યાં તે જણાવો તો હું વિશ્વાસ કરું. અર્જુન તેને તેની કથા સંભળાવે છે. તેઓ પોતાનાં દસ નામનાં કારણો નીચે મુજબ આપે છે.
ધનંજય તમામ દેશોને જીતીને હું તેઓની પાસેથી કર રૂપે ધન લઈને તેની મધ્યમાં સ્થિત થયો હતો, તેથી મારું નામ ધનંજય પડ્યું.
વિજય હું જ્યારે યુદ્ધમાં ઊતર્યો, ત્યારે મારો વિજય જ થયો હોવાથી, મારું નામ વિજય પડ્યું.
શ્વેતવાહન સંગ્રામમાં મારા રથમાં હંમેશા સોનાના બખ્તર સહિત શ્વેત અશ્વો જ જોડવામાં આવતા, તેથી મને શ્વેતવાહન કહે છે.
ફાલ્ગુન મારો જન્મ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો, તેથી મને ફાલ્ગુન કહે છે.
કિરીટી દાનવો સાથે હું યુદ્ધ કરતો હતો, ત્યારે દેવેન્દ્ર ઇન્દ્રે મારા માથે સૂર્ય સમાન પ્રકાશિત મુકુટ મૂકી દે છે, તેથી મારું નામ કિરીટી પડ્યું.
બિભિત્સુ યુદ્ધ દરમિયાન હું કોઈ બિભિત્સ કામ નહોતો કરતો, માટે દેવોએ મને બિભિત્સુ નામ આપ્યું.
સવ્યસાચી હું ડાબા અને જમણા બન્ને હાથે ધનુષ્ય ચલાવી શકતો, તેથી સૌ મને સવ્યસાચી તરીકે ઓળખે છે.
અર્જુન અર્જુનના ત્રણ અર્થ છે, વર્ણ એટલે કે દીપ્તિ, ઋજુતા એટલે કે સમતા, ધવલ એટલે કે શુદ્ધ. હું સર્વ વ્યક્તિઓ પ્રત્યે સમભાવ રાખતો અને શુદ્ધ કર્મ કરતો, તેથી હું અર્જુન નામથી ઓળખાઉં છું.
જિષ્ણુ મને પકડવો કદી શક્ય નહોતું અને હું ઇન્દ્રનો પુત્ર છું, તેથી મને જિષ્ણુ કહે છે.
કૃષ્ણ અર્જુનના શરીરનો રંગ શ્યામ હોચ છે, તેથી મારા પિતાએ મારું દસમું નામ કૃષ્ણ રાખ્યું હતું.
આ દરેક નામનું કારણ જાણ્યા બાદ ઉત્તરને વિશ્વાસ બેસે છે. તે અર્જુનના સારથિ બનીને યુદ્ધભૂમિમાં જાય છે. અર્જુનના શંખનો નાદ દૂરથી સાંભળીને દ્રોણ કહે છે કે નક્કી આ અર્જુન જ હોવો જોઈએ. એ સિવાય આવો શંખનાદ કોઈ કરી ન શકે. ત્યાર બાદ ભીષ્મ, દ્રોણ, કર્ણ, અશ્વત્થાામા, કૃપાચાર્ય સૌ વચ્ચે સંવાદ થાય છે અને ભીષ્મની સલાહ મુજબ સેનાનો ચોથો ભાગ લઈ દુર્યોધન હસ્તિનાપુર જવા રવાના થાય છે, ચોથો ભાગ ગોધન લઈને નીકળે છે અને અડધી સેના ભીષ્મ, કર્ણ, દ્રોણ, અશ્વત્થામા, કૃપાચાર્ય સાથે રહીને અર્જુન સામે યુદ્ધ કરવા તૈયાર રહે છે. અર્જુન આવીને જુએ છે તો તેમને ત્યાં દુર્યોધન નથી દેખાતો. તેથી તે વિરાટપુત્ર ઉત્તરને કહે છે કે અહીં દુર્યોધન નથી એનો અર્થ એ છે કે તે ગોધન લઈને દક્ષિણ દિશા તરફ નીકળી ગયો છે. માટે ઉત્તર તું આ સેનાને બાજુમાં રાખીને દુર્યોધનનો પીછો કર. ઉત્તર એમ જ કરે છે. આ જોઈ કૃપાચાર્ય સૈન્યને તેમનો પીછો કરવાનું કહે છે. દુર્યોધનની સેના અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. તેમાં અર્જુન ઘણા મહારથીઓનો વધ કરે છે. આ મહારથીઓમાં કર્ણનો ભાઈ સૂતપુત્ર સંગ્રામજિત પણ વીરગતિને પ્રાપ્ત થાય છે. આ જોઈને કર્ણ કુપિત થઈ અર્જુન સાથે યુદ્ધ કરે છે. બન્ને વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. કર્ણ અર્જુનના રથની ચોકોર બાણવર્ષા કરીને તેના રથને બાંધી દે છે અને તેના સારથિ ઉત્તરને ઘાયલ કરે છે. આ જોઈને અર્જુન વધુ આક્રમક બનીને કર્ણની ભુજા, જાંઘ ઇત્યાદિ અંગોને ઘાયલ કરી દે છે. આખરે સંપૂર્ણ ઘાયલ કર્ણ યુદ્ધભૂમિમાંથી ભાગે છે. ત્યાર બાદ યુદ્ધમાં કૌરવ સેનાના ઘણા સૈનિકો વીરગતિને પ્રાપ્ત થાય છે અને દ્રોણ, દુઃસહ, અશ્વત્થામા, દુઃશાસન, કૃપાચાર્ય, ભીષ્મ, સૌ ઘાયલ થઈ જાય છે. છતાં કૃપાચાર્ય અને અર્જુન વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. કૃપાચાર્ય રથ પરથી સંતુલન ગુમાવીને ભૂમિ પર પડી જતાં કૌરવ સૈનિકો તેમને ઉઠાવીને લઈ જાય છે.ત્યાર બાદ દ્રોણ અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં દ્રોણાચાર્યને ગંભીર ઈજા થાય છે અને તે અર્જુન સાથે યુદ્ધથી પીછે હઠ કરીને દૂર જતા રહે છે. આમ અનેક મહારથીઓને અર્જુન પરાજિત કરે છે, ભીષ્મ અર્જુન સાથે યુદ્ધ કરતાં ઘાયલ થઈને મૂર્છિત થઈ જાય છે.[૧૬] યુદ્ધમાં જતાં પહેલાં ઉત્તરાએ બૃહન્નલાને કહ્યું હતું કે મારાં ઢીંગલા-ઢીંગલીઓ માટે તમે કૌરવોના કપડાં લઈ આવજો. તે વાત યાદ આવતાં જ અર્જુન સંમોહન શસ્ત્ર ચલાવે છે, જેથી કૌરવોની પૂરી સેના ઊંઘી જાય છે. ત્યારે અર્જુન ઉત્તરને કહે છે કે તું આ કૌરવોના કપડાં લઈ લે. ઉત્તર તેઓના મુખ્ય અંગ વસ્ત્રો ઉત્તરાના ઢીંગલા-ઢીંગલી માટે લઈ લે છે. કૌરવો જાગે છે, ને છેવટે કૌરવ સેના સહિત સૌ મહારથીઓ ભાગીને જીવ બચાવે છે. વિજયી અર્જુન વિરાટનગર પરત આવે છે.
બીજી તરફ વિરાટની સેના પણ વિજય મેળવીને પરત આવે છે. ત્યાર બાદ વિરાટના કહેવાથી ઉત્તરના પરાક્રમ માટે નગરમાં તેની વિજયયાત્રા કાઢવામાં આવે છે. ત્યાર બાદ વિરાટ અને ઉત્તર જ્યારે મળે છે ત્યારે ઉત્તર વિરાટને જણાવે છે કે એક દેવપુત્રે રથી બનીને મને સારથિ બનાવીને કૌરવો પર વિજય પ્રાપ્ત કર્યો છે. મેં કાંઈ જ કર્યું નથી. ત્યારે વિરાટ કહે છે કે મને તે દેવપુત્ર બતાવ. ત્યારે ઉત્તર ઉત્તર આપે છે કે દેવપુત્ર તો મને મદદ કરીને અંતરધ્યાન થઈ ગયા પરંતુ તે ફરી ત્રણ દિવસ બાદ પુનઃ દેખાશે.
ઉપરોક્ત ઘટના બાદ ત્રીજે દિવસે, વિરાટ રાજ તેમના રાજ દરબારમાં આવે તે પહેલાં યુધિષ્ઠિર તેમના દરબારમાં પોતાના મૂળ સ્વરૂપે પહોંચીને પાંચેય પાંડવો અન્ય રાજાઓને બેસવાના સિંહાસનો પર બિરાજમાન થઈ જાય છે. જ્યારે વિરાટ આવીને જુએ છે કે કંક એક રાજાના આરક્ષિત આસને બેઠા છે, ત્યારે તે ગુસ્સે થઈ જાય છે કે મેં તમને મારા આનંદ પ્રમોદ માટે મારી સાથ જુગટું રમવા રાખ્યા હતા, અને તમે મારા દરબારમાં મહેમાન બનીને આવતા રાજાને માટ આરક્ષિત આસન પર બેસવાની ધૃષ્ટતા કરી રહ્યા છો ? ત્યારે અર્જુન ઊભા થઈને સૌની ઓળખ આપે છે. ત્યાર બાદ વિરાટ સૌની માફી માંગે છે અને પોતાની પુત્રીને પાંડવ કુળમાં પરણાવવાનો પ્રસ્તાવ મૂકે છે. ત્યારે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુની પત્ની અને પોતાની પુત્રવધૂ તરીકે ઉત્તરાનો સ્વીકાર કરે છે.
↑ ૧.૦૧.૧van Buitenen, J.A.B. (1978) The Mahabharata: Book 4: The Book of the Virata; Book 5: The Book of the Effort. Chicago, IL: University of Chicago Press
↑Gopal, Madan (1990). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ 75.