વિશ્વ દૂધ દિવસ | |
---|---|
૧ જૂન, ૨૦૧૭ના રોજ નવી દિલ્હીમાં પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા કરવામાં આવેલી "વિશ્વ દૂધ દિવસ"ની ઉજવણી | |
પ્રકાર | આંતરરાષ્ટ્રીય |
મહત્વ | વૈશ્વિક આહાર તરીકે દૂધના મહત્વને ઓળખવા માટે |
તારીખ | જૂન ૧ |
આવૃત્તિ | વાર્ષિક |
પ્રથમ ઉજવણી | ૨૦૦૧ |
શરુઆત કરેલ | ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO) |
વિશ્વ દૂધ દિવસ એ સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) દ્વારા દૂધના વૈશ્વિક ખોરાક તરીકેના મહત્વને માન્યતા આપવા માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય દિવસ છે.[૧] ૨૦૦૧થી દર વર્ષે ૧ જૂનના રોજ જોવા મળે છે.[૨] આ દિવસનો આશય ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની તક પૂરી પાડવાનો છે.[૨]
વિશ્વ દૂધ દિવસને સૌ પ્રથમ ૨૦૦૧માં એફએઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો. ઉજવણી માટે ૧ જૂનને તારીખ તરીકે પસંદ કરવામાં આવી હતી કારણ કે ઘણા દેશો પહેલાંથી જ વર્ષના તે સમય દરમિયાન દૂધ દિવસની ઉજવણી કરતા હતા.[૨]
આ દિવસ દૂધ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથોસાથ તંદુરસ્ત આહાર, જવાબદાર ખાદ્ય ઉત્પાદન તથા આજીવિકા અને સમુદાયોનું સમર્થન કરવામાં ડેરીના ક્ષેત્રના ફાળા વિશે જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે. વૈશ્વિક સ્તરે એક અબજથી વધુ લોકોની આજીવિકાને ડેરી ક્ષેત્ર દ્વારા સમર્થિત છે અને છ અબજથી વધુ લોકો ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જેનું સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંસ્થા (FAO)ના આંકડા દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે.[૩] હકીકત એ છે કે ઘણા દેશોએ એક જ દિવસે આ રાષ્ટ્રીય ઉજવણીને વ્યક્તિગત રીતે મહત્વ આપ્યું છે અને ઉજવણી કરવાનું પસંદ કર્યું છે જે દર્શાવે છે કે દૂધ એ વૈશ્વિક ખોરાક છે.
૨૦૧૬માં ૪૦થી વધુ દેશોમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવૃત્તિઓમાં મેરેથોન અને પારિવારિક દોડ, દૂધ દોહવાના નિદર્શનો અને કૃષિ મુલાકાતો, શાળા-આધારિત પ્રવૃત્તિઓ, કોન્સર્ટ, પરિષદો અને પરિસંવાદો, સ્પર્ધાઓ અને દૂધના મૂલ્યને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં ડેરી ઉદ્યોગ દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.[૪]
વર્ષ ૨૦૧૭માં ૮૦ દેશોમાં ૫૮૮ કાર્યક્રમો થયા હતા, જેમાં #WorldMilkDay હેશ ટેગ સોશિયલ મીડિયા પર ૪૦.૨ કરોડ લાઈક સુધી પહોંચ્યું હતું. આ કાર્યક્રમોમાં ડેરી ફાર્મમાં ખુલ્લા મકાનો, શાળાઓમાં દૂધનું દાન, ફૂડ બેંકમાં યોગદાન, ફોટો સ્પર્ધાઓ, રમતગમતની સ્પર્ધાઓ, મેળાઓ, ડાન્સ શો, પાર્ટીઓ, પોષણ પરિષદો, સ્વાદ, પ્રદર્શનો, ખાદ્યગાડીઓ અને દૂધની પટ્ટીઓ સામેલ હતી.[૫]
૨૦૧૮માં ૭૨ દેશોમાં ૫૮૬ ઇવેન્ટ સાથે વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂતો, સ્ટાફ, પરિવાર, રાજકારણીઓ, શેફ, ન્યુટ્રિશનિસ્ટ, ડોકટરો, શિક્ષણવિદો અને રમતવીરોએ હાથમાં દૂધના ગ્લાસ ઊંચા કરી દૂધ અને ડેરી ઉત્પાદનોના તેમના જીવનમાં થતા ફાયદાઓ વિશેની માહિતી શેર કરી હતી. #WorldMilkDay હેશ ટેગે ૧ મેથી ૨ જૂન દરમિયાન ૮૦,૦૦૦ થી વધુ પોસ્ટ્સ સાથે ૮૬૮ મિલિયન લાઈક હાંસલ કરી હતી. આ વૈશ્વિક ઝુંબેશ (#WorldMilkDay, #RaiseAGlass અને સ્થાનિક હેશટેગ સહિત)માં ૧.૧ અબજથી વધુ લાઈક મળી હતી અને ૨૯.૧ કરોડથી વધુ લોકો સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ સાથે સંકાળાયા હતા.[૬]
૨૦૧૯માં ૬૮થી વધુ દેશોમાં વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસ ૨૦૧૯ ની થીમ હતી "દૂધ પીવો: આજે અને દરરોજ." એક વૈશ્વિક કાર્યક્રમ તરીકે, વિશ્વભરમાં ૪૦૦ થી વધુ દૂધ દિવસની ઝુંબેશ અને કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સ્વયંસેવકોએ વ્યક્તિના એકંદર આરોગ્ય માટે દૂધના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી હતી. આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન દ્વારા તેની વેબસાઇટ પર દૂધના મહત્વને તંદુરસ્ત અને સંતુલિત આહાર તરીકે વર્ણવતી વિવિધ પ્રકારની પ્રમોશનલ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન પ્રમોશનલ પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય લોકોને દૂધના મહત્વના સંદેશનું વિતરણ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે વિવિધ આરોગ્ય સંસ્થાના સભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રવૃત્તિઓમાં દૂધ દોહવાના દેખાવો અને ખેતરોની મુલાકાતો, રમતો, સ્પર્ધાઓ, પરિષદો અને માહિતીની આપ-લે અને અન્ય ઘણી બાબતોનો સમાવેશ થાય છે. આ બધાનો હેતુ દૂધના મૂલ્ય વિશેની માહિતીની આપ-લે કરવાનો હતો અને ડેરી ક્ષેત્ર દ્વારા સમાજ, રાષ્ટ્રીય અર્થતંત્ર અને સમાજના સાંસ્કૃતિક પાસાઓ દ્વારા ભજવવામાં આવતી મહત્ત્વની ભૂમિકાની સમજૂતી આપવાનો હતો.[૭]
૨૦૨૦ એ વિશ્વ દૂધ દિવસની ઉજવણીની ૨૦ મી વર્ષગાંઠ હતી. વર્ષ ૨૦૨૦માં વિશ્વ દૂધ દિવસની ઉજવણી વિશ્વના ૧૦૪થી વધુ દેશોમાં કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦ માટે વિશ્વ દૂધ દિવસની થીમ ૨૦મી વર્ષગાંઠની ઉજવણી પર કેન્દ્રિત હતી. કોવિડ -૧૯ વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને, ગ્લોબલ ડેરી પ્લેટફોર્મે સોશિયલ મીડિયા અભિયાનો અને ઓનલાઇન કાર્યક્રમોના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. આ ઝુંબેશને વિશ્વભરમાં ૮૪.૨ કરોડથી વધુ લાઈક્સ મળી હતી.
વિશ્વ દૂધ દિવસ ૨૦૨૧ ની ઉજવણી ૧ જૂન, ૨૦૨૧ ના રોજ કરવામાં આવી હતી. વિશ્વ દૂધ દિવસની પ્રવૃત્તિઓમાં વિશ્વના ૧૦૦ દેશોએ ભાગ લીધો હતો. વિશ્વભરમાં ૧.૩૮ અબજથી વધુ લોકો આ ઉજવણીમાં સંકળાયા હતા.