વિષ્ણુ પંડયા ગુજરાતના પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે.[૧] તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે.[૨][૩][૪][૫] તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા ૪૦ વર્ષો થી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.[૬]
તેમનો જન્મ જુનાગઢ જિલ્લાના માણાવદરમાં થયો હતો. તેમણે બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ ખાતે શિક્ષણ મેળવ્યું. તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય કરતા હતા, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ભારત પરત ફર્યા હતા. તેઓ માણાવદરમાં જિલ્લા શિક્ષણ અધિકારી હતા.
તેમણે પોતાની કારકિર્દી સાધના સાપ્તાહિક સાથે શરૂ કરી અને તેઓ ૨૨ વર્ષની ઉંમરે તેના સંપાદક બન્યા.[૭][૮]ભારતીય કટોકટીનો વિરોધ કરવા માટે તેમનું ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર નિયંત્રણનો તેમણે વિરોધ કર્યો હતો. મે ૨૦૧૭માં તેમની ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.[૯]
૧૯૭૫-૭૬ની કટોકટી દરમિયાન તેમને કેદ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમના પ્રથમ પુસ્તક, હથેળીનું આકાશ, ગુજરાત સરકાર દ્વારા પુરસ્કાર પામ્યું હતું, પરંતુ તેમણે આ પુરસ્કારનો સ્વીકાર કર્યો નહોતો.[સંદર્ભ આપો]