વેદના પાઠ, અધ્યયન અને વિનિયોગ માટે વેદના ૬ સહાયક અંગો છે, જેમને વેદાંગ કહેવામાં આવે છે. વેદને સમસ્ત જ્ઞાનરાશિનો અક્ષય ભંડાર કહેવાય છે, તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, સભ્યતા તેમ જ ધર્મના આધારભૂત સ્તંભ ગણાય છે. વેદ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ- એમ ચાર પુરુષાર્થોના પ્રતિપાદક છે. વેદ એનાં અંગોને કારણે જ પ્રખ્યાત છે, અતઃ વેદાંગનું અત્યાધિક મહત્વ રહેલું છે. વેદનાં છ જેટલાં સહાયક અંગો આ પ્રમાણે છે.
મંત્રના સ્વર, અક્ષર, માત્રા તથા ઉચ્ચારનું વિવેચન શિક્ષામાં થાય છે. વેદનાં અનેક શિક્ષા ગ્રંથો ઉપલબ્ધ છે. આમ કરવાનો મુખ્ય ઉદ્દેશ વેદમંત્રોના અવિકળ યથાસ્થિતિ વિશુદ્ધ ઉચ્ચારણ કરવા માટેનો છે. શિક્ષાનો ઉદભવ અને વિકાસ વૈદિક મંત્રોના શુદ્ધ ઉચ્ચારણ અને તેના દ્વારા વૈદિક મંત્રોના રક્ષણ કરવાના ઉદ્દેશથી થયેલો છે.
ભાષાના નિયમો સ્થિર કરવા તે વ્યાકરણનું કાર્ય છે. વ્યાકરણની સહાયથી મંત્રનો અર્થ સમજી શકાય છે.
નિરુકત વેદની વ્યાખ્યા પધ્ધતિ દર્શાવે છે. નિરુકતને વેદોનો વિશ્વકોશ કહી શકાય.
છંદના જ્ઞાનથી વૈદિક મંત્રોનું બંધારણ સમજાય છે. અનેક છંદ ગ્રંથો અત્યારે પણ ઉપલબ્ધ છે.
કલ્પમાં યજ્ઞોની વિધિનું વર્ણન કરવામાં આવેલ છે. અગાઉ આપણે જોઈ ગયેલા તમામ સુત્રગ્રંથોનો યજ્ઞીય વિધિ સાથે સંબંધ છે. આપ જાણતા જ હશો કે કોઈપણ યજ્ઞવિધિ માં પહેલા સંકલ્પ કરાવવામાં આવે છે. આ સંકલ્પનું મુળ ‘કલ્પ’ માં છે.
જ્યોતિષનું પ્રધાન પ્રયોજન સંસ્કારો તથા યજ્ઞો માટે મુહૂર્ત બતાવવાનું છે. અત્યારે જ્યોતિષ શાસ્ત્રનો ઘણો વિકાસ થયો છે.