વેલેરિયન પોલિશચક

પોલિશચક (૧૯૨૮)

વેલેરિયન લ્વોવિચ પોલિશચક (Ukrainian: Валеріан Львович Поліщук, ૧ ઓક્ટોબર ૧૮૯૭ — ૯ ઓક્ટોબર ૧૯૩૭) યુક્રેનિયન લેખક, કવિ અને નિષ્પાદિત પુનર્જાગરણના પ્રતિનિધિ હતા. તેમણે યુક્રેનિયન ભાષામાં લખ્યું હતું.[]

પોલિશચકનો જન્મ બિલ્ચે ગામમાં થયો હતો, જે હાલમાં યુક્રેનના રિવને ઓબ્લાસ્ટમાં છે. તેમણે લુત્સ્કમાં અને ત્યારબાદ યેકાટેરિનોસ્લાવમાં અભ્યાસ કર્યો હતો અને ૧૯૧૭માં હાઇસ્કૂલમાંથી સ્નાતક થયા હતા. ૧૯૧૭થી, તેઓ કિવ અને યેકાટેરિનોસ્લાવમાં રહેતા હતા અને વિવિધ અખબારો માટે લખતા હતા. રશિયન ગૃહ યુદ્ધ દરમિયાન પોલિશચકે યુક્રેનિયન પીપલ્સ રિપબ્લિકને ટેકો આપ્યો હતો.[]

પોલિશચકે ૧૯૧૪થી કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો.[] ૧૯૧૯માં તેમણે તેમની પ્રથમ કવિતા ધ ઓલ્ડ ટેલ ઓન હાઉ ઓલ્ગા બર્નડ કોરોસ્ટન પ્રકાશિત કરી હતી, જેમાં ઓલ્ગાએ કોરોસ્ટનને કેવી રીતે બાળી નાખ્યું તેની જૂની વાર્તા રજૂ કરવામાં આવી હતી. ૧૯૨૦માં તેમણે કવિતાના ત્રણ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. ૧૯૨૧માં, પોલિશચક ખારકીવ ગયા, જ્યાં તેઓ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા. ૧૯૨૩માં, તેઓ એચએઆરટી (HART) માં જોડાયા, જેમાં અન્ય લોકોમાં પાવલો ટાઇચીના, વોલોદિમીર સોસિયુરા અને માયકોલા ખ્વિલોવી પણ હતા. ૧૯૨૫માં પોલિશચકે આધુનિકતાવાદી સાહિત્ય જૂથ અવનહાર્ડની સહ-સ્થાપના કરી હતી, જે ૧૯૩૦ સુધી અસ્તિત્વમાં હતું. તેમણે ૪૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં મુખ્યત્વે કવિતાઓ હતી.[]

૧૯૩૦ના દાયકામાં, સત્તા સાથે સંકળાયેલા સાહિત્યિક વિવેચકોએ પોલિશચકની ભારે ટીકા કરી હતી. તેમની કવિતાની રાષ્ટ્રવાદી પ્રકૃતિ બાબતે તેમના પર આરોપ મૂકવામાં આવ્યા હતા. નવેમ્બર ૧૯૩૪માં તેમની ધરપકડ કરવામાં આવી, તેઓ પ્રતિ-ક્રાન્તિકારી પ્રવૃત્તિના આરોપી હતા અને ૨૭ કે ૨૮ માર્ચ ૧૯૩૫ના રોજ તેમને ખટલો ચલાવ્યા વિના ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમને સોલોવકી જેલ શિબિરમાં મોકલવામાં આવ્યા હતા અને આખરે યુક્રેનિયન સંસ્કૃતિની અન્ય વ્યક્તિઓ સાથે સૈંડરમોખમાં તેમને ફાંસી આપવામાં આવી હતી. ૧૯૬૨માં મરણોપરાંત તેમનું પુનર્વસન કરવામાં આવ્યું હતું.[]

પોલિશચકની કવિતાને ભવિષ્યવાદના પ્રબળ પ્રભાવ હેઠળ પ્રાયોગિક તરીકે વર્ણવવામાં આવી છે.[]

પોલિશચકે ઓલેના-રખીલ કોનીખેસ સાથે લગ્ન કર્યા હતા, આ દંપતીને બે બાળકો હતા. પોલિશચકને જેલમાં ધકેલી દેવાયા બાદ તેમના પરિવારે તેમની હસ્તપ્રતો બચાવી લીધી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Поліщук Валеріан Львович" (યુક્રેનિયનમાં). Encyclopaedia of History of Ukraine.
  2. ૨.૦ ૨.૧ Тишкевич, Марися (1 October 2022). "Валер'ян Поліщук: Не сотвори собі кумира". Український інтерес (યુક્રેનિયનમાં). મૂળ માંથી 26 માર્ચ 2023 પર સંગ્રહિત. મેળવેલ 31 માર્ચ 2023.