શકુંતલા | |
---|---|
"રાજા દુષ્યંતને ઝલક જોવા માટે પાછું જોતી શકુંતલા", રાજા રવિ વર્માનું એક તૈલચિત્ર. | |
Information | |
કુટુંબ | વિશ્વામિત્ર (પિતા) મેનકા (માતા) કણ્વ (દત્તક પિતા) |
જીવનસાથી | દુષ્યન્ત |
બાળકો | ભરત |
શકુંતલા દુષ્યંતની પત્ની અને સમ્રાટ ભરતની માતા છે. તેમની વાર્તા પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતના આદિપર્વમાં કહેવામાં આવી છે અને ઘણા લેખકો દ્વારા તેનું નાટ્યલેખન કરવામાં આવ્યું છે, જેમાં કાલિદાસનું નાટક અભિજ્ઞાન શાકુંતલમ્ (શકુંતલાની નિશાન) સૌથી પ્રખ્યાત છે.[૧]
શકુંતલાના જીવનની બે જુદી જુદી વાર્તાઓ છે. પ્રથમ આવૃત્તિ મહાભારતમાં વર્ણવવામાં આવી છે, જે બે મુખ્ય હિન્દુ મહાકાવ્યોમાંનું એક છે, જે પરંપરાગત રીતે વ્યાસ ઋષિને આભારી છે. આ વાર્તાને ચોથી-પાંચમી સદીના કવિ કાલિદાસના નાટક તરીકે સ્વીકારવામાં આવી હતી.
એક વાર વિશ્વામિત્ર બ્રહ્મર્ષિનો દરજ્જો મેળવવા માટે ધ્યાન કરવા લાગ્યા. તેમની તપસ્યાની તીવ્રતાથી ઇન્દ્ર ડરી ગયા. ઇન્દ્રને ડર હતો કે વિશ્વામિત્રને કદાચ તેનું સિંહાસન જોઈતું હશે. તેમની તપસ્યાનો અંત લાવવા માટે ઇન્દ્રએ મેનકા નામની અપ્સરાને ઋષિને લલચાવવા અને તેમની તપસ્યા ભંગ કરવા મોકલી. મેનકા વિશ્વામિત્રના ધ્યાન સ્થળે પહોંચી અને તેમને લલચાવવા લાગી. વિશ્વામિત્ર પોતાની વાસના અને ઈચ્છા પર કાબૂ ન રાખી શક્યા અને તેમની તપસ્યા તૂટી ગઈ. વિશ્વામિત્ર અને મેનકા થોડા વર્ષો સુધી સાથે રહ્યા અને તેમને ત્યાં એક પુત્રીનો જન્મ થયો. પાછળથી, વિશ્વામિત્રને સમજાયું કે તે બધી વસ્તુઓ ઇન્દ્રની યુક્તિઓ હતી. તેમને સમજાયું કે તેમણે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવાની જરૂર છે. વિશ્વામિત્રે મેનકાને છોડી દીધી અને મેનકાએ સ્વર્ગમાં પાછા ફરતા પહેલા બાળકને ઋષિ કણ્વના આશ્રમ પાસે છોડી દીધું.[૨]
ઋષિ કણ્વને તેમના આશ્રમમાં બે બાળકો મળી આવ્યા હતાં, જેની આસપાસ શકુંત પક્ષીઓ (સંસ્કૃત: शकुन्त,) હતાં. તેથી, તેમણે બાળકીનું નામ શકુંતલા (સંસ્કૃત: शकुन्तला) રાખ્યું, જેનો અર્થ શકુંત-સંરક્ષિત થાય છે.[૩][૪]
મહાભારતના આદિપર્વમાં કણ્વ કહે છે :
તે અરણ્યના એકાંતમાં શકુંતથી ઘેરાયેલી હતી,
તેથી, તેનું નામ મેં શકુંતલા (શકુંતલા-રક્ષિત) રાખ્યું છે.
અને તેમણે બાળકનું નામ પ્રમતિ રાખ્યું; જેઓ પાછળથી આચાર્ય બન્યા હતા.
રાજા દુષ્યંત પોતાની સેના સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે શકુંતલાનો સૌપ્રથમ પરિચય થયો. તે પોતાના હથિયારથી ઘાયલ નર હરણનો પીછો કરી રહ્યા હતા. શકુંતલા અને દુષ્યંત એકબીજાના પ્રેમમાં પડ્યા અને ગંધર્વ લગ્ન પ્રથા મુજબ લગ્ન કર્યા. પોતાના રાજ્યમાં પાછા ફરતા પહેલા દુષ્યંતે શકુંતલાને પોતાની અંગત રાજવી વીંટી આપી હતી, જે તેણે પોતાની પત્નીને પોતાના મહેલમાં રાણી તરીકે લાવવાના વચનના પ્રતિક રૂપે આપી હતી.[૫]
શકુંતલાએ તેના નવા પતિના સ્વપ્નમાં ઘણો સમય પસાર કર્યો હતો અને ઘણીવાર તેના દિવાસ્વપ્નોથી વિચલિત થઈ જતી હતી. એક દિવસ ઋષિ દુર્વાસા આશ્રમમાં આવ્યા, પણ દુષ્યંત વિશેના પોતાના વિચારોમાં ખોવાયેલી શકુંતલા તેમનું યોગ્ય રીતે અભિવાદન કરવામાં નિષ્ફળ ગઈ. આથી ગુસ્સે થઈને ઋષિએ શકુંતલાને શ્રાપ આપતા કહ્યું કે જે વ્યક્તિનું તે સપનું જોઈ રહી છે તે તેને સાવ ભૂલી જશે.
ગુસ્સામાં પરત જઈ રહેલા ઋષિને શકુંતલાની એક બહેનપણીએ તરત જ પોતાની સહેલીના ધ્યાનભંગનું કારણ સમજાવ્યું. ઋષિને ખ્યાલ આવી ગયો કે તેમનો અતિશય ક્રોધ વાજબી નથી, તેમણે તેના શાપમાં ફેરફાર કર્યો અને કહ્યું કે જે વ્યક્તિ શકુંતલાને ભૂલી ગઈ છે તે જો તેણીને આપવામાં આવેલી વ્યક્તિગત નિશાની બતાવે તો તેને ફરીથી બધું યાદ આવી જશે.[૧]
સમય વીતતો ગયો અને શકુંતલા વિચારતી હતી કે દુષ્યંત શા માટે તેના માટે પાછો ન ફર્યો. છેવટે તે પોતાના પાલક પિતા અને તેના કેટલાક સાથીઓ સાથે પાટનગર જવા નીકળી પડી. રસ્તામાં તેમને હોડીની ફેરીથી નદી ઓળંગવી પડી હતી અને નદીના ઘેરા ભૂરા પાણીથી લથબથ થઈને શકુંતલાએ પોતાની આંગળીઓ પાણીમાં ફેરવી. તેની વીંટી (દુષ્યતની વીંટી) તેની આંગળી પરથી સરકી ગઈ અને તેને ખ્યાલ પણ ન આવ્યો.
દુષ્યંતના દરબારમાં પહોંચીને શકુંતલાને ત્યારે દુઃખ થયું અને નવાઈ પણ લાગી જ્યારે તેનો પતિ તેને ઓળખી ન શક્યો અને ન તો તેને તેના વિશે કશું જ યાદ આવ્યું.[૬] તેણે તેને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તે તેની પત્ની છે, પણ વીંટી વિના દુષ્યંત તેને ઓળખી શક્યો નહીં. અપમાનિત થઈને, તે જંગલોમાં પાછી ફરી અને પોતાના પુત્ર સાથે જંગલના એક ભાગમાં સ્થાયી થઈ ગઈ. અહીં તેણે પોતાના દિવસો ગાળવા લાગી અને તેનો પુત્ર ભરત મોટો થતો ગયો. માત્ર જંગલી પ્રાણીઓથી ઘેરાયેલો ભરત, વાઘ અને સિંહોના મોં ખોલવાની અને તેમના દાંત ગણવાની રમત રમતાં રમતાં એક મજબૂત યુવાન બની ગયો.[૭][૮]
આ દરમિયાન એક માછીમારને તેણે પકડેલી માછલીના પેટમાં શાહી વીંટી જોવા મળતા તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાજવી મુદ્રાને ઓળખીને તે વીંટી રાજમહેલમાં લઈ ગયો અને તેની વીંટી જોઈને દુષ્યંતને પોતાની સુંદર પત્ની વિશેની યાદો તાજી થઈ. તે તરત જ તેને શોધવા નીકળી પડ્યો અને શકુંતલાના પિતાના આશ્રમમાં પહોંચતાં તેને ખબર પડી કે હવે તેણી ત્યાં નથી. પોતાની પત્નીને શોધવા માટે તે જંગલમાં દૂર સુધી ચાલ્યો ગયો. તેને જંગલમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું: એક યુવાન છોકરાએ સિંહનું મોઢું ખોલ્યું હતું અને તે તેના દાંત ગણવામાં વ્યસ્ત હતો. રાજાએ છોકરાની હિંમત અને શક્તિથી આશ્ચર્યચકિત થઈને તેનું અભિવાદન કર્યું, અને તેનું નામ પૂછ્યું. જ્યારે છોકરાએ જવાબ આપ્યો કે તે રાજા દુષ્યંતનો પુત્ર ભરત છે, ત્યારે તેને આશ્ચર્ય થયું. છોકરો તેને શકુંતલા પાસે લઈ ગયો, અને તેથી તેનું કુટુંબ ફરી એક થયું.[૧]
અન્ય એક વૈકલ્પિક કથા એવી છે કે દુષ્યંત શકુંતલાને ઓળખી ન શક્યો તે પછી તેની માતા મેનકા શકુંતલાને સ્વર્ગમાં લઈ ગઈ, જ્યાં તેણે ભરતને જન્મ આપ્યો. દુષ્યંતને દેવોના પક્ષે યુદ્ધ કરવાની જરૂરિયાત ઊભી થઈ જેમાં તે વિજયી નીવડ્યો. તેની વિજય ભેટ તરીકે તેની પત્ની અને પુત્ર સાથે તેનું પુનર્મિલન થયું. તેની પાસે એક દિવ્યદૃષ્ટિ હતી જેમાં તેણે જોયું કે એક યુવાન છોકરો સિંહના દાંત ગણતો હતો અને તેનું બાહુકવચ તેના હાથમાંથી પડી ગયું હતું. દેવો દ્વારા દુષ્યંતને જાણ કરવામાં આવી હતી કે ફક્ત ભરતની માતા અથવા પિતા જ તે કવચને તેના હાથ પર પાછું બાંધી શકે છે. દુષ્યંતે સફળતાપૂર્વક તેને ભરતના હાથ પર બાંધી દીધું. મૂંઝાયેલો ભરત રાજાને તેની માતા શકુંતલા પાસે લઈ ગયો અને તેને કહ્યું કે આ માણસે તેના પિતા હોવાનો દાવો કર્યો છે. શકુંતલાએ ભરતને જણાવ્યું કે રાજા ખરેખર તેનો પિતા છે. આ રીતે આ કુટુંબ સ્વર્ગમાં ફરી એક થયું, અને તેઓ પાંડવોના જન્મ પહેલાં ઘણા વર્ષો સુધી શાસન કરવા માટે પૃથ્વી પર પાછા ફર્યા.
શકુંતલાની પૌરાણિક કથાની પ્રાચીન પ્રસ્તુતિઓ (ઈ.પૂ. બીજી સદી, શુંગ સમયગાળો)) | |
|