શાંતિદાસ ઝવેરી | |
---|---|
![]() અમદાવાદના ઝવેરીવાડમાં આવેલી વાઘણપોળમાં આવેલ શ્રી વર્ધમાન તપ આયંબિલ સંસ્થાના મોટા ખંડમાં આવેલી દિવાલ પરના શાંતિદાસના પ્રાચીન ચિત્રની નકલ | |
જન્મની વિગત | ૧૫૮૦ |
મૃત્યુ | ૧૬૫૯[૧] |
નાગરિકતા | મુઘલ સામ્રાજ્ય |
વ્યવસાય | ઝવેરી અને નાણાં ધીરનાર |
પદ | નગરશેઠ |
શાંતિદાસ ઝવેરી (૧૫૮૦ - ૧૬૫૯) મોગલ યુગના એક પ્રભાવશાળી ભારતીય ઝવેરી, શરાફ અને શાહુકાર હતા. તે ૧૭ મી સદી દરમિયાન અમદાવાદ શહેરમાં સૌથી ધનિક વેપારી હતા.[૨]
શાંતિદાસ ઝવેરી મારવાડ વિસ્તારના ઓશવાળ જૈન હતા.[૨] તેમના પિતા સહસ્ત્ર કિરણ ૧૬ મી સદીના અંતમાં ઓસિઆનથી અમદાવાદ સ્થળાંતરીત થયા હતા.[૩] [૪] શાંતિદાસે શરાફ (સોના ચાંદીની લાટોનો વ્યવસાય) નો ધંધો સ્થાપિત કરીને તેના પિતાના છૂટક ઝવેરાતના ધંધાનો વિસ્તાર કર્યો.
શાંતિદાસ મોગલ રાજવી સહિત અમીર ખાનદાનોને ઝવેરાત વેચતા. સમ્રાટ જહાંગીર અને દારા શિકોહ પાસેથી મેળવેલા ફરમાનો સૂચવે છે કે તેમણે મુઘલ રાજ પરિવાર માટે ઝવેરાત આપતા હશે.[૩] ૧૬૩૯ માં, નૂર જહાંના ભાઈ અને મુમતાઝ મહલના પિતા અશફ ખાને શાંતિદાસ પાસેથી ઝવેરાતનો વિશાળ જથ્થો ખરીદ્યો હતો. તેના મૃત્યુ પછી, સમ્રાટ શાહજહાંએ એ ઝવેરાત પાછું લઈ અને નાણાં પરત કરવાની શાંતિદાસને ફરજ પાડી હતી.
શાંતિદાસે લવિંગ જેવી વસ્તુઓના પણ યુરોપિયન કંપનીઓ (બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ડચ ઇસ્ટ ઇંડિયા કંપની), તેમજ પર્શિયન અને અરબી વેપારીઓ સાથે પણ વ્યાપાર કર્યા. સપ્ટેમ્બર ૧૬૩૫ માં, સુરત અને અમદાવાદથી આવતા શાંતિદાસ અને કેટલાક અન્ય વેપારીઓનો માલ અંગ્રેજ લૂંટારાઓએ લૂંટ્યો. અંગ્રેજોથી પોતાનું નુકસાન પાછું લાવવા માટે તેમણે રાજકીય વગ અને પ્રભાવનો ઉપયોગ કર્યો.[૩]
એક પૈસા ધીરનાર તરીકે તેઓ સૌથી વધુ પ્રભાવશાળી બન્યા. ભારતમાં ડચ ઇસ્ટ ઇંડિયા કંપની (વીઓસી) ને આપવામાં આવતી મોટાભાગની મૂડી શાંતિદાસ અને તેના નજીકના સાથી વીરજી વોરા તરફથી આવી હતી.[૫] આ વ્યાપાર સંબધથી તેમને ઉત્તમ નફો અને સોનાના સ્વરૂપમાં મજબૂત અને સતત વ્યાજની ચુકવણી પૂરી પડાતી, જેથી તે શ્રીમંત માણસ બની ગયા.
અદાલતના રત્નકલાકાર તરીકે, શાંતિદાસનો મુઘલોના ઘરમાં પ્રવેશ હતો. આધુનિક જૈન પરંપરા ભારપૂર્વક જણાવે છે કે શાંતિદાસને બાદશાહ શાહજહાં દ્વારા મામા તરીકે સંબોધન કરતા હતા.[૩] જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ જેવા મુઘલ સમ્રાટો દ્વારા જારી થયેલા ફરમાનો સૂચવે છે કે મુઘલ રાજ વંશ સાથે તેણે સારા સંબંધ જાળવી રાખ્યા હતા.[૨] એવું કહેવામાં આવે છે કે જહાંગીરે તેમને "નગરશેઠ" ની પદવી આપી હતી. [૬] જોકે મોગલ દરબાર સાથે તેના "વિશેષ સંબંધો" સંબંધિત દાવાઓને પુષ્ટિ આપે તેવા કોઈ માન્ય ઐતિહાસિક પુરાવા મળ્યા નથી.
૧૬૪૫ માં, શાંતિદાસ દ્વારા બંધાવાયેલા ચિંતામણી પાર્શ્વનાથ મંદિરને તે કાળના ગુજરાતના પ્રધાન રાજકુમાર ઔરંગઝેબે ક્ષતિ પહોંચાડી હતી. ફ્રેન્ચ પ્રવાસી જીન ડી થેવેનોટ (1666) ના જણાવ્યા અનુસાર, ઔરંગઝેબે મંદિરના પ્રાંગણમાં એક ગાયની હત્યા કરી, મંદિરની બધી મૂર્તિઓના નાકનો નાશ કર્યો અને પછી તે સ્થાનને ક્વાવલ-ઉલ-ઇસ્લામ ("ઇસ્લામની શક્તિ")નામની મસ્જિદમાં પરિવર્તિત કર્યું.[૭] શાંતિદાસે ઔરંગઝેબના પિતા સમ્રાટ શાહજહાંને ફરિયાદ કરી. ૧૬૪૮માં, બાદશાહે એક ફરમાન જાહેર કર્યું હતું કે આ ઈમારત શાંતિદાસને સોંપી દેવી, અને મેહરાબ (મસ્જિદની દિવાલોના માળખા) અને બાકીની મૂળ ઈમારતની વચ્ચે દિવાલ ઊભી કરવી જોઈએ. તેણે એ પણ જાહેર કર્યુ કે મસ્જિદના પરિસરમાં રહેતા મુસ્લિમ ફકીરોને દૂર કરવા જોઈએ, અને મંદિરથી દૂર લઈ જવામાં આવેલી સામગ્રીને ફરીથી સ્થાપિત કરવી જોઈએ.[૮]
બાદશાહ બન્યા પછી ઔરંગઝેબે વેપારી સમુદાયમાં શાંતિદાસના પ્રભાવને સ્વીકાર્યો. ૧૫૬૭માં શાહજહાંના પુત્ર મુરાદ બક્ષે શાંતિદાસને રૂ. ૫,૫૦,૦૦૦ રૂ ધીરવાની ફરજ પાડી. શાહજહાંનાં મૃત્યુ પછી ઔરંગઝેબે મુરાદને કેદ કરી લીધો. શાંતિદાસ નવા સમ્રાટથી સુરક્ષિત થઈ શક્યો, અને એક ફરમાન મેળવ્યું જે થકી શાહી દિવાન રહેમત ખાને તેમને ધીરાણની ચુકવણી રૂપે શાહી તિજોરીમાંથી ૧,૦૦,૦૦૦ રૂપિયા અપાવ્યા. એક ફરમાન મોકલીને ઔરંગઝેબે વેપારીઓ અને અન્ય રહેવાસીઓને સદ્ભાવનાને પહોંચાડવા કહ્યું.[૩]
શાંતિદાસ એક ધર્મનિષ્ઠ જૈન હતા જેમણે ગુજરાતી જૈન સમુદાયને ઉદારતાથી દાન આપ્યું. તેમણે સંઘો ચલાવવા અને જૈન મંદિરોના રક્ષણ માટે ઘણાં પૈસા ખર્ચ્યા. તેમણે સાધુઓને પાઠશાળાઓ (શાળાઓ) સ્થાપવામાં મદદ કરી. સમકાલીન સંસ્કૃત દસ્તાવેજમાં જણાવાયું છે કે તેમણે હસ્તપ્રતો જાળવવામાં ખૂબ રસ લીધો, અને સાધુઓને સાહિત્ય વિકસાવવા પ્રોત્સાહિત કર્યા.[૩]
ઈ. સ. ૧૬૨૨ માં, તેમણે અમદાવાદના સરસપુર ખાતે ચિંતામણી પાર્શ્વનાથ મંદિરના નિર્માણની શરૂઆત કરી.[૭] તેનું બાંધકામ ૧૬૩૮ માં પૂર્ણ થયું હતું, અને રૂ. ૯,૦૦,૦૦૦ નો ખર્ચ થયો.[૯] [૮] આ મંદિરનું વર્ણન જર્મન સાહસી જોહ્ન આલ્બ્રેક્ટ ડી મેન્ડેસ્લો જેવા વિદેશી પ્રવાસીઓના લેખનમાં આપવામાં વાંચવા મળે છે. તેમની પરોપકારતા પોતાના જૈન સમુદાયથી આગળ વધેલી જણાતી નથી.
શાંતિદાસે સમકાલીન ધાર્મિક રાજકારણમાં પણ ભાગ લીધો. તે સમયે, શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં ગચ્છ તરીકે ઓળખાતા ઘણા જૈન જૂથો હતા, અને શાંતિદાસ સાગર ગચ્છના હતા . મુક્તિસાગર નામના સાગર ગચ્છના એક સાધુ શાંતિદાસના નજીકના મિત્ર હતા, અને ૧૬૨૫ માં, તેમણે તેમના દ્વારા બાંધવામાં આવેલા ચિંતામણી પાર્શ્વનાથ મંદિરમાં એક મૂર્તિ સ્થાપિત કરી હતી. શાંતિદાસ મુક્તિસાગરને આચાર્ય (જૈન પંથના સર્વોચ્ચ નેતા) બનતા જોવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ તે વિનંતી તપ ગચ્છ સાથે જોડાયેલા વિજયદેવ સૂરીએ નકારી કાઢી હતી. શાંતિદાસે ખંભાતના શ્રીમલ્લ નામના એક વેપારીની મદદ માંગી જેણે ૧૬૦૧માં વિજયદેવને આચાર્યની પદવી અપાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રભાવથી, ૧૬૩૦માં મુક્તિસાગરને "રાજસાગર" નામથી આચાર્ય તરીકે નીમવામાં આવ્યા [૩] બાદમાં, જાલોર ખાતે શાંતિદાસે વિજયદેવ સૂરી અને મુક્તિસાગર (રજસાગર સૂરી) વચ્ચે શાસ્ત્રાર્થમાં આયોજિત કર્યો. તેમનો હેતુ તેમના જૂથની પ્રતિષ્ઠા વધારવાનો હતો (અને કદાચ, તેમનો પોતાનો પ્રભાવ વધારવાનો પણ), પરંતુ મુક્તિસાગર હિંમત હારી ગયા અને ચર્ચા શરૂ થતાં પહેલાં જ તેમણે પાછીપાની કરી.
શાંતિદાસે લોકાં ગચ્છનો બહિષ્કાર પણ કર્યો હતો, જેમાં મૂર્તિપૂજાની ટીકા કરવામાં આવી હતી (જેની શાંતિદાસના પોતાના ગચ્છે તરફેણ કરી હતી). સપ્ટેમ્બર ૧૬૪૪ માં, તેમણે લોંકા ગચ્છ સાથે આંતજ્ઞાતિ-લગ્ન અને સાથે-ભોજન લેવા સામે પ્રતિબંધ લાગુ કરવા માટે પોતાની વગ વાપરી. અમદાવાદના લોંકાઓએ સમ્રાટ શાહજહાને ફરિયાદ કરી હતી, પરંતુ બાદશાહે આ બાબતમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.[૩]
ગુજરાતના સુબેદાર (રાજ્યપાલ) તરીકે, શાહજહાંના પુત્ર મુરાદ બક્ષે ૧૬૫૬ માં શાંતિદાસ ઝવેરીને પાલીતાણા ગામ આપ્યું હતું.[૧૦] પાલિતાણા પાછળથી જૈનોના મુખ્ય તીર્થસ્થાન તરીકે ઉભરી આવ્યું.
શાંતિદાસનો પૌત્ર ખુશાલચંદ (૧૬૮૦-૧૭૪૮) પણ એક અગ્રણી વેપારી હતો, અને અમદાવાદને લૂંટફાટથી બચાવવા માટે તે મરાઠાઓને ખંડણી આપતો હતો. ખુશાલચંદનો પુત્ર વખતચંદ (૧૭૪૦-૧૮૧૮) પણ એક જાણીતો ઉદ્યોગપતિ હતો. આધુનિક ભારતનો લાલભાઇ પરિવાર, જે અરવિંદ મિલ્સના માલિક છે, તેમનું વંશમૂળ શાંતિદાસ સુધી પહોંચે છે.[૧૧]