શાન્તા ગાંધી | |
---|---|
જન્મની વિગત | |
મૃત્યુ | 6 May 2002 | (ઉંમર 84)
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | નૃત્યાંગના, રંગભૂમિ દિગ્દર્શક, નાટ્યકાર |
પ્રખ્યાત કાર્ય | જસ્મા ઓડણ |
જીવનસાથી | વિક્ટર (લ. 1938; છૂ. 1946) |
સંબંધીઓ | દીના પાઠક (બહેન) |
શાન્તા કાલિદાસ ગાંધી (૨૦ ડિસેમ્બર ૧૯૧૭ – ૬ મે ૨૦૦૨) ભારતીય રંગભૂમિ દિગ્દર્શક, નૃત્યાંગના અને નાટ્યકાર હતા. તેઓ ભારતીય સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક પાંખ આઇપીટીએ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં ઇન્દિરા ગાંધી સાથે રહેણાંક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમને ૧૯૮૪માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ૧૯૮૨-૮૪ દરમિયાન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષપદે પણ રહ્યા હતા.
તેઓ ભારતીય જન નાટ્યસંઘ (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (આઇપીટીએ))ની કેન્દ્રીય મંડળીના સ્થાપક-સભ્ય હતા અને ૧૯૫૦ના દાયકામાં વ્યાપકપણે દેશનો પ્રવાસ કર્યો હતો. એક નાટ્યકાર તરીકે તેમને પ્રાચીન ભારતીય નાટક ખાસ કરીને સંસ્કૃત નાટક અને લોક રંગભૂમિને આધુનિક ભારતીય રંગભૂમિમાં પુનર્જીવિત કરનારા પ્રારંભિક પ્રણેતા તરીકે યાદ કરવામાં આવે છે. રઝિયા સુલતાન[૧] અને જસ્મા ઓડણ એ તેમના સૌથી નોંધપાત્ર નાટકો છે. જસ્મા ઓડણ એ સત્તી પ્રથા પરનું ગુજરાતી દંતકથા પર આધારિત નાટક છે, જે ગુજરાતી ભવાઈ શૈલીમાં નિર્માણ કરાયું છે અને સમકાલીન ભારતીય રંગભૂમિમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે.[૨] તેમના બહેન દીના ગાંધી (પાછળથી પાઠક) સાથેનું 'મૈના ગુર્જરી' આજે પણ સૌથી લોકપ્રિય ભાવાઈઓમાંનું એક છે.[૩]
તેઓ ૧૯૮૧માં સ્થપાયેલા શિક્ષણ સંસાધન કેન્દ્ર અવેહીના સ્થાપક-સભ્ય હતા અને ૧૯૮૨-૧૯૮૪ની રાષ્ટ્રીય નાટ્યશાળા (નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા)ના અધ્યક્ષ પણ રહ્યા હતા.[૪] તેમને ભારત સરકાર દ્વારા ૧૯૮૪માં પદ્મશ્રી અને ૨૦૦૧માં દિગ્દર્શન માટેનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૫]
તેઓ ૧૯૩૨માં પુણેની પ્રાયોગિક રહેણાંક શાળામાં જોડાયા હતા, જ્યાં તેમના સહપાઠી ઇન્દિરા નહેરુ સાથે મિત્રતા થઈ હતી.[૬] બાદમાં તેઓ બોમ્બે રહેવા ગયા. તેઓ ૧૯૩૦ના દાયકામાં ડાબેરી વિદ્યાર્થી ચળવળમાં ખૂબ જ સક્રીય થયા હતા આથી તેમના પિતાએ તેમને દવાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલી દીધા હતા. અહીં પણ તેમણે થોડા જ સમયમાં ઇન્ડિયા હાઉસમાં અવારનવાર આવવાનું શરૂ કર્યું, કૃષ્ણ મેનન અને તેમના યુવાન 'ફ્રી ઇન્ડિયા' સહયોગીઓ સાથે મુલાકાત કરી અને સ્પેનિશ ગૃહયુદ્ધ માટે ભંડોળ એકત્ર કરવા માટે એક નૃત્ય મંડળીમાં પણ જોડાયા. પરંતુ થોડા જ સમયમાં યુરોપમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ રહ્યું હોવાથી તેમના પિતાએ તેમને પરત બોલાવી લીધાં. આમ, તેમની સંભવિત તબીબી કારકિર્દીનો અંત આવ્યો.
તેઓ ઉત્તરાખંડના અલ્મોડાથી ૩ કિમી દૂર સિમ્તોલા ખાતે ઉદય શંકરના 'ઉદય શંકર ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર'માં જોડાયા હતા અને એક શિક્ષક પાસેથી ભરત મુનિના નાટ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ૧૯૪૨ માં આ સેન્ટર બંધ થતું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યા.[૭] ત્યારબાદ તરત જ તેઓ તેમની યુવાન બહેનો દિના પાઠક (૧૯૨૨-૨૦૦૨) અને તરલા ગાંધી સાથે મુંબઈમાં ભારતીય જન નાટ્યસંઘ (ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન)ની નૃત્ય શાખા લિટલ બેલે ટ્રુપના પૂર્ણકાલીન સભ્ય બન્યા. આ બેલે મંડળીએ ૧૯૫૦ના દાયકામાં રવિશંકર, શાંતિ વર્ધન અને અન્ય કલાકારો સાથે ભારતની મુસાફરી કરી આધુનિક ભારતીય ડાન્સ થિયેટર અને સંગીતમાં નામના મેળવી. મુંબઈમાં ગુજરાતી રંગભૂમિના પુનરુત્થાનમાં આ ત્રણે બહેનો ઘણા વર્ષો સુધી સામેલ હતી.[૮]
નાટકો ઉપરાંત તેમણે ગુજરાતીમાં એક ટૂંકી વાર્તા સંગ્રહ ઉગતા છોડ (૧૯૫૧) અને નવલકથા અવિનાશ (૧૯૫૨) લખી હતી. તેમના પુસ્તક ગુજરાતને પગલે પગલે (૧૯૪૮)માં પ્રાચીન અને આધુનિક મહિલાઓના રેખાચિત્રો સામેલ છે.[૯]
તેમણે ૧૯૩૮માં બોમ્બે (વર્તમાન મુંબઈ)માં માર્ક્સવાદી ઇતિહાસકાર વિક્ટર કાઇર્નાન સાથે લગ્ન કર્યા હતા, પરંતુ કાઇર્નાને ભારત છોડ્યું તે પહેલાં ૧૯૪૬માં આ દંપતીએ છૂટાછેડા લીધા હતા.[૧૦]
Shanta Gandhi.