શ્રીશચંદ્ર મિત્ર (મૃત્યુ : ૧૯૧૫) એ બંગાળી ક્રાંતિકારી અને ભારતીય સ્વતંત્રતા ચળવળના સક્રીય સભ્ય હતા.
મિત્રનો જન્મ હાવડા જિલ્લાના અમતા સ્થિત રસપુર ગામમાં થયો હતો. તેઓ હબુ મિત્રના નામથી પણ જાણીતા હતા.[૧] તેઓ અનુશીલન સમિતિમાં જોડાયા હતા અને બ્રિટિશ ગન મેકર રોડ્ડા કંપનીમાં કર્મચારી તરીકે પ્રવેશ મેળવ્યો હતો. મિત્ર ઑગસ્ટ, ૧૯૧૪માં કંપનીને મળનારા શસ્ત્રો અને દારૂગોળાના એક મોટા જથ્થાથી વાકેફ હતા અને ક્રાંતિકારીઓ માટે શસ્ત્રો લૂંટવાની યોજના બનાવી રહ્યા હતા.[૨] ૨૬ ઓગસ્ટના રોજ, તેઓ રોડા એન્ડ કંપની વતી શિપમેન્ટ મેળવવા માટે કોલકાતાના કસ્ટમ્સ હાઉસ ગયા હતા. તેમની સાથે સાત બળદગાડાં હતાં. યુગાંતરના એક સભ્ય હરિદાસ દત્તને શ્રીશચંદ્રએ પોતાની સાથે ગાડા ચાલક તરીકે રાખ્યા હતા. મિત્ર, શ્રિશ પાલ અને ખગેન્દ્ર નાથદાસે મળીને કુલ ૨૦૨ બોક્સના દારુગોળાને લૂંટવાની યોજનાને સફળ અંજામ આપ્યો હતો.[૩][૪] બ્રિટિશ પોલીસે વર્ણવ્યું હતું કે મિત્ર રોડ્ડા કંપનીના હથિયારોની લૂંટના માસ્ટર માઇન્ડ હતા. ધ સ્ટેટ્સમેને ૩૦ ઓગસ્ટ ૧૯૧૪ના રોજ તેની આવૃત્તિમાં આ લૂંટને 'ધ ગ્રેટેસ્ટ ડેલાઇટ લૂંટ' તરીકે વર્ણવી હતી.[૫]
અનુશીલન સમિતિની સૂચના મુજબ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા અને ધરપકડથી બચવા માટે પૂર્વોત્તર ભારત તરફ ભાગી ગયા હતા. સંભવતઃ ૧૯૧૫માં મિત્રએ જંગલોમાંથી પસાર થતી સડક માર્ગે ચીન જવાનું નક્કી કર્યું, પરંતુ સરહદ પાર કરવામાં તેઓ સફળ થઈ શક્યા નહીં અને સરહદી રક્ષકોએ તેમને ઠાર માર્યા હતા.[૬][૭]