લેખક | મોહનદાસ કરમચંદ ગાંધી |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાશક | નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ |
પ્રકાશન તારીખ | ૧૯૨૭ |
ISBN | 0-8070-5909-9 ભારત |
મૂળ પુસ્તક | સત્યના પ્રયોગો અથવા આત્મકથા વિકિસ્રોત પર |
સત્યના પ્રયોગો કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે. જેમાં તેમના બાળપણથી લઈને ૧૯૨૦ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ૧૯૨૭માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ, નિર્વ્યાજ સરલતા અને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરસ્સર વિનિયોગ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ – આ બધાં વડે શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આનું મોખરે સ્થાન છે.[૧]
જેરામદાસ, સ્વામી આનંદ જેવા નિકટના સાથીઓની માંગણીઓને આખરે માન આપીને, ગાંધીજી એ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યા પછી આ કથા લખવાનો અવસર આરંભ્યો. તેમણે ઘણી સ્પષ્ટતાઓ પણ કરી હતી આ કથા વિશે. તેમણે એમ જણાવ્યું કે તેમના દરેક પ્રકરણના મૂળમાં એક જ અવાજ છે, "સત્યનો જય થાઓ". આ કથા તેમણે કુલ ૫ ભાગ અને તે ૫ ભાગમાં થઈને કુલ ૧૭૭ પ્રકરણમાં લખી છે.
ગાંધીજીની અસહકારના આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા દરમિયાન ધરપકડ થઈ હતી અને સરકાર સામે નફરત ફેલાવવાના આરોપસર તેમને ૬ વર્ષ જેલની સજા થઈ; જોકે તેમને ૨ વર્ષ બાદ છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ૧૯૨૫ના શિયાળામાં ૫૬ વર્ષની ઉંમરે આત્મકથા લખવાની શરૂઆત કરી.[૨]
૨૫મી નવેમ્બર ૧૯૨૫થી ૩જી ફેબ્રુઆરી ૧૯૨૯ દરમિયાન નવજીવનમાં ૧૬૬ હપ્તામાં આ આત્મકથા પ્રકાશિત થઈ હતી.[૩] તેને લગતા અંગ્રેજી અનુવાદો યંગ ઇન્ડિયામાં છપાતા હતા, દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયનમાં અને અમેરિકામાં યુનિટીમાં તેનું પુનઃમુદ્રણ થતું હતું. સાથે જ તેનો હિંદી અનુવાદ નવજીવનની હિંદી આવૃત્તિમાં પ્રકાશિત થતો હતો.[૨]
પુસ્તકની પ્રસ્તાવનામાં ગાંધીજીએ જણાવે છે કે તેમણે ખરેખર ૧૯૨૧ની શરૂઆતમાં તેમની આત્મકથાનું કામ હાથ ધર્યું હતું પરંતુ તેમની રાજકીય વ્યસ્તતાને કારણે તેમણે તે કામ બાજુ પર મૂકવું પડ્યું હતું. બાદમાં સાથી સત્યાગ્રહીઓએ તેમની પૃષ્ઠભૂમિ અને જીવન વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં તેમણે એમના જીવન વિશે પુસ્તક લખવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી, પ્રકરણો સાથે શ્રેણીબદ્ધ સ્વરૂપમાં તેને સાપ્તાહિક પ્રકાશિત કરવા માટે સંમતિ આપી હતી.[૪]
આ આત્મકથા ૨૫ નવેમ્બર ૧૯૨૫થી ૩ ફેબ્રુઆરી ૧૯૨૮[8] સુધીના સમયગાળા દરમિયાન ૧૬૬ હપ્તામાં લખવામાં આવી હતી અને તેનું શ્રેણીકરણ કરવામાં આવ્યું હતું, જે નવજીવનમાં પ્રકાશિત થયું હતું. આ સંબંધિત અંગ્રેજી અનુવાદો યંગ ઇન્ડીયામાં છાપવામાં આવ્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયનમાં અને અમેરિકન જર્નલ યુનિટીમાં ફરીથી છાપવામાં આવ્યા હતા. હિન્દી અનુવાદ લગભગ એક સાથે નવજીવનની હિન્દી આવૃત્તિમાં પ્રકાશિત થયો હતો.[૪][૫]
મૂળ ગુજરાતી સંસ્કરણ સત્યના પ્રયોગો તરીકે પ્રકાશિત થયું હતું, જેનું ઉપશીર્ષક આત્મકથા હતું.[૬]
પ્રસ્તાવનામાં ગાંધી જણાવે છે:[૭]
“વાસ્તવિક રીતે આત્મકથા લખવાનો પ્રયાસ કરવાનો મારો હેતુ નથી. મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે પ્રયોગો કરેલાં છે તેની કથા લખવી છે. તેમાં મારૂં જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃતાંત જેવી થઈ જશે. જેમ કે મારા જીવનમાં પ્રયોગો સિવાય બીજું કશું જ નથી, તેથી સાચું છે કે આ વાર્તા આત્મકથાનો આકાર લેશે. પરંતુ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતાને નિર્દોશ ગણું.”
અંગ્રેજી સંસ્કરણ ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ સૌ પ્રથમ ૧૯૪૮માં અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી ખાતે પબ્લીક અફેર્સ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.[૮][૯]
આ આત્મકથા તેની સરળતા અને મહાવરાદાર ભાષા માટે જાણીતી છે તથા પારદર્શક રીતે તે એક પ્રામાણિક કથન છે.[૧૦] ગુજરાતી લેખક હરિવલ્લભ ભાયાણીએ ૧૯૯૮માં તેમના સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે આ આત્મકથા અને ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્ર ગુજરાતી સાહિત્યમાં છેલ્લાં ૫૦ વર્ષોમાં એક મહત્વનાં કાર્ય તરીકે ઉભર્યાં છે.[૧૧] આત્મકથા પોતે ગાંધીજીના જીવન અને વિચારોનું પૃથક્કરણ કરવા માટે અગત્યની બની ગઈ છે.[૨]