સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ (સર જમશેદજી જીજીભોય સ્કૂલ ઓફ આર્ટ) એ ભારતના મુંબઈની સૌથી જૂની કલા સંસ્થા છે,[૧] અને તે મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. આ કલાશાળા ચિત્રકામ, માટીકામ, ધાતુકામ, આંતરિક સુશોભન (ઇન્ટિરિયર ડેકોરેશન), વસ્ત્ર ભાત (ટેક્સટાઇલ ડિઝાઇન) અને શિલ્પકલામાં સ્નાતક (બી.એ.) પદવીઓ તેમજ ચિત્રાંકન, સર્જનાત્મક ચિત્ર, ભીંતચિત્રો, શિલ્પકળા અને છાપકામ વિષયમાં અનુસ્નાતક પદવી (એમ.એ.) આપે છે.
સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં સર જમશેદજી જીજીભોય અને તેમના ચીની સચિવ (૧૭૮૩-૧૮૫૯)નું એક ચિત્ર
માર્ચ ૧૮૫૭માં સ્થપાયેલી આ કલાશાળાનું નામ સર જમશેદજી જીજીભોયના નામ પરથી રાખવામાં આવ્યું હતું. જમશેદજી એક ઉદ્યોગપતિ અને સખાવતી હતા. તેમણે સંસ્થાના નિર્માણ માટે રૂ. ૧,૦૦,૦૦૦નું દાન આપ્યું હતું. નિર્માણ કામગીરીનું સંચાલન બોમ્બેના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા કરવામાં આવતું હતું. શાળાનો પ્રથમ વર્ગ ચિત્રકામનો હતો જે ૨ માર્ચ ૧૮૫૭ના રોજ શરૂ થયો હતો અને તેના વર્ગો એલ્ફિન્સ્ટન સંસ્થામાં યોજવામાં આવ્યા હતા. જ્હોન ગ્રિફિથ્સ ૧૮૬૫માં શાળાના આચાર્ય બન્યા હતા. બાદમાં તેઓ અજંતા ગુફામંદિર સંકુલમાં ભીંતચિત્રોની નકલ કરવા માટે પ્રખ્યાત થયા હતા. આ પ્રકલ્પ ૧૮૭૨થી ૧૮૯૧ સુધી ચાલ્યો હતો, અને જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ મદદ કરી હતી.[૨]
૧૮૬૬માં ભારત સરકારે આ શાળાનું સંચાલન પોતાના હસ્તક લીધું હતું. લોકવૂડ કિપલિંગ, જેઓ ૧૮૬૫માં સ્કૂલના પ્રોફેસર બન્યા હતા, તેમણે ડેકોરેટિવ પેઇન્ટિંગ્સ, મોડેલિંગ અને સુશોભન માટે ઘડાયેલ લોખંડની કલાકૃતિઓ માટેના ત્રણ વિભાગોની સ્થાપના કરી હતી અને તેના પ્રથમ ડીન બન્યા હતા. લોકવૂડ કિપલિંગ લેખક રુડ્યાર્ડ કિપલિંગના પિતા હતા.[૩] ૧૮૭૮માં, શાળા તેની પોતાની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવી હતી, જ્યાં તે વર્તમાનમાં આવેલી છે. આ ઇમારતની રચના સ્થપતિ જ્યોર્જ ટ્વિજ મોલેસી દ્વારા નિઓ ગોથિક સ્થાપત્ય શૈલીમાં[૪] કરવામાં આવી હતી.[૫]
કિપલિંગ ભવન સહિતનું શાળા પરિસર, જે ડીન્સ બંગલો તરીકે ઓળખાય છે, તેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગ્રેડ II વિરાસત સંરચના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૬માં તથા ૨૦૦૮માં ઇમારતનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.[૫]
એક વિષય તરીકે ડ્રોઇંગ નિર્દેશ ની શરૂઆત ૧૮૭૯માં કરવામાં આવી હતી અને ૧૮૯૩માં ચિત્ર શિક્ષકોને તાલીમ આપવા માટેનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ૧૮૯૧માં, લોર્ડ રે આર્ટ વર્કશોપ્સ (જે હવે 'કલા શિલ્પ વિભાગ' તરીકે ઓળખાય છે) ની સ્થાપના કરવામાં આવી હતી.
સ્થાપત્ય એ આ કલાશાળાની એક મહત્વપૂર્ણ પરંપરા હતી. ૧૯૦૦માં, શાળાએ સ્થાપત્ય વિષયનો પ્રથમ અભ્યાસક્રમ શરૂ કર્યો હતો, જેનું શિક્ષણ જ્હોન બેગ દ્વારા આપવામાં આવતું હતું, જેઓ બાદમાં ભારત સરકારના વાસ્તુકલા પરમર્શક બન્યા હતા. ૧૯૦૮માં બેગના સહાયક જ્યોર્જ વિટ્ટેટના વડપણ હેઠળ ૪ વર્ષના પૂર્ણકાલીન અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ૧૯૧૭માં વાસ્તુકાર ક્લાઉડ બેટલી વિઝિટિંગ પ્રોફેસર બન્યા હતા. તેઓ ૧૯૨૩ થી ૧૯૪૩ સુધી શાળાના આચાર્ય હતા, બેટલીના સ્મરણાર્થે ૧૯૯૬થી વાસ્તુશિલ્પ પ્રદર્શનોની ઉજવણી કરવામાં આવે છે.
૧૮૯૬માં, સ્થાપત્યના નકશાની ચિત્રકારી (ડ્રાફ્ટમેન)ના વર્ગો ઉમેરવામાં આવ્યા હતા. આ વિભાગ પછીથી ૩ વર્ષના ડિપ્લોમા કોર્સમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જેને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ્સ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.
૧૯૧૦માં, સર જ્યોર્જ ક્લાર્ક અધ્યયન અને પ્રયોગશાળાનું નિર્માણ હસ્તકલાના અદ્યતન અભ્યાસ માટે કરવામાં આવ્યું હતું, માટીકામ એ અભ્યાસ માટે લેવામાં આવેલી પ્રથમ હસ્તકલા હતી. ૧૯૨૯માં, શાળાના વડાનું પદ આચાર્યથી બદલીને "નિયામક" કરવામાં આવ્યું, અને ૧૯૩૫માં, વાણિજ્યિક કલા વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો.
૧૯૩૭ માં એમ.આર. આચરેકરને નાયબ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૧૯૩૯ સુધી તેમનો કાર્યકાળ ચાલુ રાખ્યો. શ્રી. વી. એસ. અદુરકર આ શાળાના પ્રથમ ભારતીય વડા હતા, જેમણે ૧૯૪૩માં ક્લાઉડ બેટલીના નિયામક તરીકે પદ સંભાળ્યું હતું.
૧૯૫૮માં, શાળાનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એન્ડ એપ્લાઇડ આર્ટ અનુક્રમે સર જે.જે. કોલેજ ઓફ આર્કિટેક્ચર અને સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ બન્યા હતા.
૧૯૮૧માં આ કલાશાળા મુંબઈ વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન બની હતી.
↑Art heritage, saved by sunshine law[મૃત કડી]Indian Express, 2 March 2007. "...when the Public Works Department took up repainting of the building, the paintings had been shifted to the terrace and may have been washed out after the 26/7 deluge two years ago.(2005)"
↑Islam, Sirajul (2012). "Uday Shankar". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh. મૂળ સંગ્રહિત માંથી 4 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 9 May 2016.