સિતાંશુ યશશ્ચન્દ્ર | |
---|---|
લોકટક તળાવ ખાતે, ડીસેમ્બર ૨૦૧૬ | |
જન્મ | સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા ૧૯ ઓગસ્ટ, ૧૯૪૧ ભુજ, કચ્છ, ગુજરાત, ભારત |
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | અંજનીબેન (લ. ૧૯૬૬) |
સહી |
સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા, કે જેઓ સિતાંશુ યશશ્ચન્દ્ર (જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૪૧) તરીકે જાણીતા છે, ગુજરાતી કવિ, નાટ્યલેખક, અનુવાદક અને શિક્ષણશાસ્ત્રી છે.[૧]
તેમનાં કાવ્ય સંગ્રહ જટાયુ માટે તેમને ૧૯૮૭નો ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (દિલ્હી) પ્રાપ્ત થયો હતો. ૨૦૦૬માં તેમને ભારત સરકાર તરફથી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૨]
તેમનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં થયો હતો.[૩][૪]
૧૯૭૨થી તેમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય ખાતે ગુજરાતીનું અધ્યાપન શરૂ કર્યું હતું. તેઓ સારબોન યુનિવર્સિટી, લોયોલા મેરમાઉન્ટ યુનિવર્સિટી અને જાદવપુર યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક હતા. યુનિવર્સિટી ગ્રાંટ કમિશનમાં તેઓ નિવૃત્ત અધ્યાપક અને રાષ્ટ્રીય વ્યાખ્યાતા રહી ચૂકેલા. સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના તેઓ પ્રમુખ સંપાદક હતા.[૩][૫][૬] તેમને તુલનાત્મક સાહિત્યના વિષયમાં સંશોધન માટે ફૂલબ્રાઇટ શિષ્યવૃત્તિ અને ફોર્ડ વેસ્ટ યુરોપિયન ફેલોશીપ મળેલી. આ જ વિષયમાં તેમણે અમેરિકાની ઇન્ડયાના યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી ખાતે કાર્ય કરેલું.[૩][૫] સૌરાષ્ટ યુનિવર્સિટીમાં તેઓ ઉપ-કુલપતિ રહેલા.
તેમણે શિક્ષણ વડોદરા અને મુંબઈમાંથી લીધું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરિકે સેવાઓ આપી. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો. તેઓ ભારત પાછા ફર્યા તે પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ કર્યો અને ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું તથા શૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવાઓ આપી.
તેમણે ૮ મે ૧૯૬૬ના રોજ અંજનીબેન સાથે લગ્ન કર્યા. તેમની પુત્રી વિપાશાનો જન્મ ૧૯૭૧માં, જ્યારે તેમના પુત્ર આરણ્યકનો જન્મ ૧૯૭૮માં થયો.[૭]
તેમણે મુખ્યત્વે ગુજરાતીમાં લખાણ લખ્યું છે, પરંતુ તેમનાં પુસ્તકો હિંદી અને અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલા છે. તેમણે કેટલીક કવિતાઓ, નાટકો અને વિવેચનને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદિત કરેલા છે.[૩] અતિવાસ્તવવાદ તેમની મુખ્ય શૈલી ગણાય છે.[૮]
તેમણે ૧૯૯૩ની હિંદી ફિલ્મ માયા મેમસાબની અભિનયવાર્તા લખી હતી, જે ગુસ્તાવ ફ્લોબર્ટની મેડમ બોવરી પર આધારિત હતી.[૯]