સુનિતી ચૌધરી | |
---|---|
જન્મની વિગત | ૨૨ મે ૧૯૧૭ કોમિલ્લા, બંગાળ, બ્રિટિશ રાજ |
મૃત્યુની વિગત | ૧૨ જાન્યુઆરી ૧૯૮૮ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | ફોયજુનિસ્સા બાલિકા વિદ્યાલય |
માતા-પિતા | ઉમાચરણ અને સુરસુંદરી ચૌધરી |
સુનીતિ ચૌધરી (૨૨ મે ૧૯૧૭ – ૧૨ જાન્યુઆરી ૧૯૮૮) એ ભારતીય રાષ્ટ્રવાદી ક્રાંતિકારી હતા, જેમણે શાંતિ ઘોષની સાથે મળીને, ૧૪ વર્ષની ઉંમરે અંગ્રેજ ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટની હત્યા કરી હતી.[૧][૨][૩] તેઓ સશસ્ત્ર ક્રાંતિકારી સંઘર્ષમાં તેમના સહભાગ માટે જાણીતા છે.[૪][૫][૬]
સુનીતિ ચૌધરીનો જન્મ બંગાળના (હાલનું બાંગ્લાદેશ) કોમિલ્લામાં ઉમાચરણ ચૌધરી અને સુરસુંદરી ચૌધરીને ઘેર ૨૨ મે ૧૯૧૭ના દિવસે થયો હતો.[૭] તેઓ કોમિલ્લાના ફોયજુનિસ્સા બાલિકા વિદ્યાલયના એક વિદ્યાર્થીની હતા.[૮] [૯]
સુનીતિ ચૌધરી, ઉલાસ્કર દત્તાની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી પ્રભાવિત હતા, તેઓ પણ કોમિલ્લામાં રહેતા હતા. પ્રફુલ્લનાલિની બ્રહ્મા નામની એક બીજી વિદ્યાર્થીની દ્વારા સુનીતિને યુગાંતર પાર્ટીમાં ભરતી કરવામાં આવી હતી.[૧૦] તેઓ ત્રિપુરા જિલ્લા છત્રી સંગઠના સભ્ય પણ હતા. ૬ મે ૧૯૩૧ ના દિવસે યોજાયેલ ત્રિપુરા જીલ્લા છત્રી સંગઠનના વાર્ષિક સંમેલનમાં સુનીતિ ચૌધરીની મહિલા સ્વયંસેવક કોર્પ્સના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી.[૧૧] આ સમય દરમિયાન તેઓ મીરા દેવી ના ઉપનામથી જાણીતા હતા. તેઓની "શસ્ત્રોના રક્ષક" તરીકે પસંદ કરવામાં આવી હતી અને તેઓએ છત્રી સંગઠનનીમહિલા સભ્યોને લાઠી, તલવાર અને કટારો ખેલવાની તાલીમ આપવાની જવાબદારી સંભાળી હતી.[૧૨][૭]
૧૪ ડિસેમ્બર, ૧૯૩૧ના દિવસે, ૧૪ વર્ષીય સુનિતી ચૌધરી અને ૧૫ વર્ષીય શાંતિ ઘોષ, સહપાઠીઓને વચ્ચે તરણ સ્પર્ધા ગોઠવવા માટેની અરજી રજૂ કરવાના બહાના હેઠળ બ્રિટિશ અમલદાર અને કોમિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, ચાર્લ્સ જ્યોફ્રી બકલેન્ડ સ્ટીવેન્સની ઑફિસમાં દાખલ થઈ.[૨] સ્ટીવન્સ જ્યારે દસ્તાવેજ તરફ નજર કરી રહ્યો હતો, ત્યારે ઘોષ અને ચૌધરીએ શાલ નીચે છુપાવી રાખેલ સ્વચાલિત પિસ્તોલ કાઢી અને તેની ગોળી મારીને હત્યા કરી હતી.[૧૩] [૧૪]
આ યુવતીઓને અટકમાં લેવામાં આવી હતી અને સ્થાનિક બ્રિટીશ જેલમાં કેદ કરવામાં આવી હતી.[૨] ફેબ્રુઆરી ૧૯૩૨માં, ઘોષ અને ચૌધરી કલકત્તાની કોર્ટમાં હાજર થયા. સગીર હોવાથી બંનેને ૧૦ વર્ષની જેલની સજા ફરમાવવામાં આવી.[૧૫] એક મુલાકાતમાં, તેઓએ જણાવ્યું હતું કે "ઘોડાના તબેલામાં રહેવા કરતાં મરવું વધુ સારું છે."[૫]
તેમને હિજલી ડીટેન્શન કૅમ્પમાં "ત્રીજા વર્ગના કેદી" તરીકે કેદ કરવામાં આવી હતી.[૧૬] તેમની પ્રવૃત્તિઓની અસર તેમના પરિવારજનોએ પણ અનુભવી હતી, તેમના પિતાનું સરકારી પેન્શન બંધ થઈ ગયું હતું, તેમના બે મોટા ભાઈઓને કોઈ કેસની સુનાવણી કર્યા વગર અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેનો નાનો ભાઈ વર્ષોના તીવ્ર કુપોષણથી મૃત્યુ પામ્યો.[૮]
ગાંધીજી અને બ્રિટીશ ભારત સરકાર વચ્ચે માફીની વાટાઘાટોને કારણે, સાત વર્ષની સજા ભોગવ્યા બાદ, તેમને ૧૯૩૯માં, શાંતિ ઘોષ સાથે મુક્ત કરવામાં આવી હતી.[૮]
સમકાલીન પાશ્ચાત્ય સામયિકોમાં આ હત્યાને "અર્લ ઑફ વિલિંગ્ડન"ના ભારતીયોના વાણી સ્વતંત્રતા સહિત અન્ય નાગરિક અધિકાર પર પ્રતિબંધ મુકનારા વટહુકમ સામે ભારતીય લોકોના આક્રોશના સંકેત તરીકે દર્શાવવામાં આવી હતી.[૨] ભારતીય સ્રોતોએ આ હત્યાનું કારણ પોતાની સત્તાની સ્થિતિનો દુરૂપયોગ કરી ભારતીય મહિલાઓ ઉપર બળાત્કાર કરનારા "બ્રિટીશ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સના ગેરવર્તન" સામે ઘોષ અને ચૌધરીના પ્રતિઘાત તરીકે દર્શાવ્યો.
ચુકાદો જાહેર થયા બાદ રાજશાહી જિલ્લામાં પોલીસની ગુપ્તચર શાખા દ્વારા રાષ્ટ્રવાદી નાયિકાઓ તરીકે ઘોઝ અને ચૌધરીની પ્રશંસા કરતો એક પરિપત્ર મળી આવ્યો હતો. આ પોસ્ટરમાં લખ્યું હતું કે, "ધાઉ આર્ટ ફ્રીડમ્સ નાઓ, ઍન્ડ ફેમ્સ" અને તેમાં રોબર્ટ બર્ન્સની કવિતા સ્કોટ્સ વહા હે સાથે બંને યુવતીઓના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કર્યા હતા.[૫]
"Tyrants fall in every foe!
Liberty's in every blow!"
તેમની મુક્તિ પછી, ચૌધરીએ એમ.બી.બી.એસ. નો અભ્યાસ કર્યો અને ડૉક્ટર બન્યા. ઈ.સ. ૧૯૪૭માં, ચૌધરીએ ટ્રેડ યુનિયનના નેતા પ્રદ્યોતકુમાર ઘોષ સાથે લગ્ન કર્યા.[૮]
૧૨ જાન્યુઆરી ૧૯૮૮ના દિવસે ચૌધરીનું અવસાન થયું.[૮]