સોનલ માનસિંહ (જ. ૩૦ એપ્રિલ ૧૯૪૪) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને ભરતનાટ્યમ તથા ઓડિસી નૃત્યશૈલીના નાટ્યગુરુ છે. તેમને ભારતના રાષ્ટ્રપતિએ રાજ્ય સભાના સાંસદ બનવા માટે નામાંકિત કર્યા છે.[૧][૨][૩] તેણી ૧૯૯૨માં પદ્મભૂષણ મેળવનાર સૌથી નાની વયના પ્રાપ્તકર્તા છે. ૨૦૦૩માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સોનલ માનસિંહનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ ગુજરાતના જાણીતા સમાજસેવિકા પૂર્ણિમા પકવાસા અને અરવિંદ પકવાસાના ત્રણ સંતાનોમાં બીજા ક્રમના હતા.[૪] તેમના દાદા મંગલદાસ પકવાસા, એક સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતના પ્રથમ પાંચ રાજ્યપાલોમાંના એક હતા.[૫]
તેમણે ચાર વર્ષની ઉંમરે તેમની મોટી બહેન સાથે નાગપુરની એક શિક્ષિકા પાસેથી મણિપુરી નૃત્ય શીખવાનું શરૂ કર્યું, ત્યારબાદ સાત વર્ષની વયે તેમણે પંડનાલ્લુર શાળા[lower-alpha ૧]ના વિવિધ ગુરુઓ પાસેથી ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું,[૬] જેમાં બોમ્બેમાં કુમાર જયકરનો પણ સમાવેશ થાય છે.[૭]
તેમણે ભારતીય વિદ્યાભવનમાંથી સંસ્કૃતમાં "પ્રવીણ" અને "કોવિદ"ની પદવીઓ મેળવી છે અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી જર્મન સાહિત્યમાં બી.એ. (ઓનર્સ)ની પદવી મેળવી છે.[૮]
તેમની નૃત્યની ખરી તાલીમ ૧૮ વર્ષની વયે શરૂ થઈ હતી. તેમના પરિવારના વિરોધ છતાં તેઓ ૧૮ વર્ષની ઉંમરે પ્રો. યુ. એસ. ક્રિષ્ના રાવ અને ચંદ્રભાગા દેવી[૯] પાસેથી ભરતનાટ્યમ શીખવા માટે બેંગ્લોર ગયા હતા. ત્યારબાદ તેમણે માયલાપોર ગૌરી અમ્માલ પાસેથી અભિનય, અને બાદમાં ૧૯૬૫માં ગુરુ કેલુચરન મહાપાત્રા પાસેથી ઓડિસી શીખવાનું શરૂ કર્યું.
તેમણે ભારતના પૂર્વ રાજદ્વારી લલિત માનસિંહ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીએ પછીથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું.[૧૦] તેમના સસરા માયાધર માનસિંગે તેમની ઓળખાણ કેલુચરન મહાપાત્રા સાથે કરાવી હતી, જ્યાં તેણે ઓડિસીમાં તાલીમ લીધી હતી.[૧૧]
તેમની નૃત્ય કારકીર્દિની શરૂઆત ૧૯૬૨માં મુંબઈમાં તેમના અરંગેત્રમ પછી થઈ હતી. ૧૯૭૭માં તેમણે નવી દિલ્હીમાં સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સીઆઈસીડી)ની સ્થાપના કરી હતી.[૧૨][૧૩]
નૃત્ય દ્વારા તેમને ઘણા પુરસ્કારો મળ્યા છે, જેમાં ૧૯૮૭માં પદ્મભૂષણ (૧૯૯૨),[૧૪] સંગીત નાટક અકાદમી પુરસ્કાર,[૧૫] અને ૨૦૦૩માં ભારતનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણનો સમાવેશ થાય છે; બાલાસરસ્વતી પછી આવું સન્માન મેળવનારા તેણીની ભારતના દ્વિતીય મહિલા નૃત્યાંગના છે.[૧૬] ત્યાર બાદ ૨૦૦૬માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કાલિદાસ સન્માન અને ૨૧ એપ્રિલ ૨૦૦૭ના રોજ તેમને પંતનગર ખાતેની જી.બી.પંત યુનિવર્સિટી, ઉત્તરાખંડ દ્વારા ડૉક્ટર ઓફ સાયન્સ (માનદ ઉપાધિ) અને સંબલપુર યુનિવર્સિટી દ્વારા ડૉક્ટર ઓફ લિટરેચર (માનદ ઉપાધિ)થી નવાજવામાં આવ્યા હતા.[૧૭]
૨૦૦૨માં નૃત્યના ૪૦ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે, જાણીતા હિન્દી ફિલ્મ દિગ્દર્શક પ્રકાશ ઝાએ તેમના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી, જેનું શીર્ષક સોનલ હતું,[૧૨] જેણે આ વર્ષ માટે શ્રેષ્ઠ બિન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.[૧૮]
વર્ષ ૨૦૧૮માં, તેમને પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં યોગદાન બદલ સંગીત નાટક અકાદમી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે અકાદમી રત્ન તરીકે પણ ઓળખાય છે.[૧૯]
"નૃત્યાંગના એ માત્ર નૃત્યાંગના નથી હોતી. તે/તેણી આ વાતાવરણનો એક ભાગ છે. તે/તેણી શૂન્યાવકાશમાં અસ્તિત્વ ધરાવતી નથી. સમાજ અને તેની ઘટનાઓ તમામ વ્યક્તિઓ, ખાસ કરીને કલાકારો પર અસર કરે છે. જો કોઈ કલાનું સ્વરૂપ હાલના વાતાવરણને પ્રતિબિંબિત કરતું નથી, તો તે સ્થિર થઈ જાય છે."[૨૭]
"રાધા પણ એક ભવ્ય છબી છે, પરંતુ તે પ્રેમનું વ્યક્તિત્વ છે જેના વિના કોઈ સર્જન નથી. આપણી પુરુષપ્રધાન પૌરાણિક કથાઓમાં પોતાના પ્રેમની ભીખ માંગતી રાધાના ચરણોમાં કૃષ્ણની છબી એ સૌથી અસામાન્ય છે. ગીત ગોવિંદ ઊંડા આધ્યાત્મિક વિચારોનું આહ્વાન કરે છે, જે સુંદર રીતે લખાયેલા શ્લોકોથી ભરપૂર છે."[૨૦]
↑પંડનાલ્લુર શૈલી ભરતનાટ્યમ ભારતીય નૃત્યની શૈલી છે. તે મુખ્યત્વે નૃત્ય ગુરુ મીનાક્ષી સુંદરમ પિલ્લઇ (૧૮૬૯-૧૯૬૪) ને આભારી છે, જેઓ એક નૃત્ય ગુરુ હતા, જેઓ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં તંજાવુર જિલ્લામાં આવેલા પંડનાલ્લુર ગામમાં રહેતા હતા.