હંસા જીવરાજ મહેતા | |
---|---|
![]() | |
જન્મની વિગત | |
મૃત્યુ | 4 April 1995 | (ઉંમર 97)
રાષ્ટ્રીયતા | ભારતીય |
જીવનસાથી | ડૉ. જીવરાજ મહેતા |
માતા-પિતા |
|
હંસા જીવરાજ મહેતા (૩ જુલાઈ ૧૮૯૭ – ૪ એપ્રિલ ૧૯૯૫)[૧] ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા હતા.[૨][૩] તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણાં પુસ્તકો લખ્યાં છે અને ગુલીવર્સની સફરો જેવાં પુસ્તકો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર પણ કર્યાં છે. તેઓ જન્મે નાગર બ્રાહ્મણ હતા અને મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેમણે જાણીતા ડોક્ટર અને રાજકારણી ડૉ. જીવરાજ મહેતા સાથે લગ્ન કર્યા હતા.[૩] મહાત્મા ગાંધીની સલાહથી તેમણે વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનોનો સામૂહિક બહિષ્કાર તેમજ અન્ય સ્વાતંત્ર્યની લડતોમાં ભાગ લીધો હતો. બ્રિટિશરો દ્વારા તેણીની ધરપકડ થઇ હતી તેમજ તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.[૨]
૧૯૨૬માં તેણીની પસંદગી બોમ્બે સ્કૂલ્સ કમિટિમાં થઇ હતી અને ૧૯૪૫–૪૬માં ઓલ ઇન્ડિયા વુમન્સ કોન્ફરન્સના પ્રમુખ બન્યા હતા. હૈદરાબાદ ખાતે તેમના પ્રમુખપદના વકતવ્ય દરમિયાન સ્ત્રી હક્કોની હિમાયત કરી હતી. ૧૯૪૫ થી ૧૯૬૦ દરમિયાન તેમણે વિવિધ પદો સંભાળ્યા હતા જેમાં એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર, ઓલ ઇન્ડિયા સેકન્ડરી બોર્ડ ઓફ એજ્યુકેશના સભ્ય, ઇન્ટર યુનિવર્સિટી બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર રહ્યા હતા.[૧]
તેઓ મનુભાઇ મહેતાના પુત્રી અને પ્રથમ ગુજરાતી નવલકથા કરણ ઘેલોના લેખક નંદશંકર મહેતાના પૌત્રી હતા.[૧]
તેમણે ૧૯૪૬માં સ્ત્રીઓની સ્થિતિ અંગેની સમિતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭-૪૮માં યુ.એન. માનવ હક્ક સમિતિના ભારતના પ્રતિનિધિત્વ તરીકે તેઓ માનવ હક્કના વૈશ્વિક જાહેરનામામાં "all men are created equal" (રૂઝવેલ્ટની પસંદગીનું વાક્ય) થી all human beings, માં બદલાવવામાં જવાબદાર હતા.[૪] જે લિંગ સમાનતાની જરૂરિયાતનું સૂચન કરતું હતું.[૫] તેઓ ૧૯૫૦માં યુ.એન.ની માનવ હક્ક સમિતિના વાઇસ ચેરમેન બન્યા હતા. તેઓ યુનેસ્કોના એક્ઝીક્યુટિવ બોર્ડના સભ્યપદે પણ રહ્યા હતા.[૩][૬]
૧૯૫૯માં તેણીને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.[૭]