હરદીપસિંઘ નિજ્જર | |
---|---|
જન્મની વિગત | હરદીપસિંઘ નિજ્જર 11 October 1977 |
મૃત્યુ | 18 June 2023 સરે, બ્રિટીશ કોલંબિયા, કેનેડા | (ઉંમર 45)
મૃત્યુનું કારણ | બંદૂકથી ગોળીમાર |
નાગરિકતા |
|
સંસ્થા | Sikhs for Justice |
ચળવળ | ખાલિસ્તાન |
હરદીપસિંઘ નિજ્જર (૧૧ ઓક્ટોબર ૧૯૭૭-૧૮ જૂન ૨૦૨૩) ભારત દેશમાંથી શીખ કોમ માટે અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરતી ચળવળ સાથે સંકળાયેલો કેનેડિયન શીખ આતંકવાદી હતો.[૩]
ભારતમાં જન્મેલ હરદીપસિંધ ૧૯૯૦ના દાયકાના મધ્યમાં કેનેડા સ્થળાંતર કરી ગયો હતો. કેટલાક શીખ સંગઠનોએ નિજ્જરને માનવાધિકાર કાર્યકર્તા તરીકે પ્રસ્તુત કર્યો, જ્યારે ભારત સરકાર તેના પર આતંકવાદી ખાલિસ્તાન ટાઇગર ફોર્સ સાથે જોડાયેલા ગુનેગાર અને આતંકવાદી હોવાનો આરોપ લગાવ્યો અને તેની ધરપકડ કરવાની માંગ કરી.[૪] નિજ્જર અને તેના સમર્થકોએ આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેઓ ખાલિસ્તાન નિર્માણ માટે શાંતિપૂર્ણ માધ્યમોની હિમાયત કરે છે. ૨૦૧૬માં, નિજ્જરને કેનેડાની નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો હતો અને "આતંકવાદી તાલીમ શિબિર" માં તેની સંડોવણીના આરોપોને પગલે તેના અંગત બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા.[૫] નિજ્જરે ૨૦૧૯માં પ્રસિદ્ધિ મેળવી, જ્યારે તે બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાનો નેતા બન્યો અને શીખ અલગતાવાદનો હિમાયતી બન્યો. નિજ્જર શીખ ફોર જસ્ટિસ (એસએફજે) સાથે પણ સંકળાયેલા હતા અને જૂથના ખાલિસ્તાન લોકમત ૨૦૨૦ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.[૩]
૧૮ જૂન ૨૦૨૩ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાના પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડાની ગુપ્તચર એજન્સીઓ ભારત સરકારના એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચે "સંભવિત જોડાણના વિશ્વસનીય આક્ષેપો કરી રહી છે". હત્યા બાદ કેનેડાએ એક ભારતીય રાજદ્વારીને દેશમાંથી નીકાળ્યો હતો. ભારતના વિદેશ મંત્રાલય હત્યામાં સંડોવણીનો સાફ ઇનકાર કર્યો હતો અને બદલો લેવાના પગલા તરીકે કેનેડાના ટોચના રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો. જો કે આ અરોપને સમર્થન આપતા કોઈ પણ પુરાવા આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પણ કેનેડા સરકારે આપ્યા નથી.