તેમનો જન્મ ૧ જુલાઈ ૧૯૩૮ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના અલ્હાબાદમાં થયો હતો.[૨] તેમના પિતા પહેલવાન હતા. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેઓ પિતાની ઈચ્છા અનુસાર પહેલવાન બનવા માટે અખાડામાં નિયમિત જતા હતા પરંતુ તેમનું સંગીત તરફ આકર્ષણ હતું.[૩] સંગીત તરફના લગાવને કારણે શરૂઆતમાં તેમણે પિતાથી છુપાઈને મિત્રના ઘરે તબલા વાદનનો અભ્યાસ શરૂ કર્યો.
તેમણે ૧૫ વર્ષની ઉંમરે પડોશી રાજારામ પાસેથી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. બાદમાં આઠ વર્ષો સુધી વારાણસીના ભોલારામ પ્રસન્નના માર્ગદર્શનમાં વાંસળી શીખવાની શરૂ કરી હતી. ૧૯૫૭માં તેઓ કટક (ઓરિસ્સા) ખાતેના ઓલ ઈન્ડિયા રેડિયો સાથે સંગીતકાર અને કલાકાર તરીકે જોડાયા.[૨][૪] ઓલ ઈન્ડિયા રેડિયો સાથે કામ કરતાં તેઓ બાબા અલુદ્દીન ખાનની પુત્રી અને શિષ્યા અન્નપૂર્ણા દેવીના પરિચયમાં આવ્યા. અન્નપૂર્ણા દેવી સાર્વજનિક ગાયન-વાદન કરતાં નહોતા આથી અગાઉની તમામ સંગીત તાલીમ ભૂલીને નવેસરથી તાલીમ લેવાની શરતે ચૌરસિયાને અંગત માર્ગદર્શન આપવા તૈયાર થયા.[૫]
શાસ્ત્રીય સંગીત ઉપરાંત, તેઓએ શિવકુમાર શર્મા સાથે શિવ-હરિ નામનું એક સંગીતસમુહ બનાવ્યું. બન્નેની જોડીએ સિલસિલા, ડર, લમ્હેં અને ચાંદની જેવી કેટલીક લોકપ્રિય ફિલ્મોનું સંગીત તૈયાર કર્યું છે. આ જ પ્રમાણે તેમણે ઉડિયા સંગીતકાર ભુવનેશ્વર મિશ્રા સાથેના ભુવન-હરિ સંગીતસમુહ દ્વારા ઘણીબધી ઉડિયા ફિલ્મોમાં ઉત્કૃષ્ઠ સંગીત આપ્યું છે. ઉપરાંત તેઓ નેધરલેન્ડ ખાતેના વિશ્વ સંગીત વિભાગમાં કલાત્મક સંગીત નિર્દેશક તરીકે કાર્યરત છે. તેઓએ મુંબઈ અને ભુવનેશ્વરમાં ક્રમશ: વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૦માં વૃંદાવન ગુરુકુલની સ્થાપના કરી હતી.[૬] તેમણે કેટલાંક પશ્ચિમી સંગીતકારો (ઉદા.જૉન મૅકલેગ્લીન) સાથે મળીને ભારતીય ફિલ્મોમાં સંગીત તૈયાર કર્યું છે.
પદ્મ ભુષણ - ૧૯૯૨ 'હરિપ્રસાદ ચૌરસિયા'ને ભારત સરકાર દ્વારા ૧૯૯૨ના વર્ષમાં એમના સંગીતકલાના ક્ષેત્રમાં વિશિષ્ઠ યોગદાન બદલ પદ્મ ભૂષણ પુરસ્કાર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા[૧૧]
માનદ ડોક્ટરેટ પદવી , ઉત્તર ઓરિસ્સા યુનિવર્સિટી - ૨૦૦૮
માનદ ડોક્ટરેટ પદવી, ઉત્કલ વિશ્વવિદ્યાલાય - ૨૦૧૧
સુચના અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના ફિલ્મ વિભાગ દ્વારા ૨૦૧૩માં બાંસુરી ગુરુ નામની એક દસ્તાવેજી લઘુફિલ્મ બનાવવામાં આવી છે જે પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના જીવન પર આધારિત છે અને તેમના સંગીત પ્રદાનને પ્રસ્તુત કરે છે. ફિલ્મનું નિર્દેશન તેમના સંગીતકાર પુત્ર રાજીવ ચૌરસિયા દ્વારા કરવામાં આવ્યું છે.[૧૩][૧૪]