હરિપ્રસાદ વ્યાસ | |
---|---|
જન્મ | હરિપ્રસાદ મણિરાય વ્યાસ 25 May 1904 બોડકા, વડોદરા, ગુજરાત, ભારત |
મૃત્યુ | 13 July 1980 સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકા | (ઉંમર 76)
વ્યવસાય | હાસ્યલેખક અને બાળસાહિત્યકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | મેટ્રિક |
હરિપ્રસાદ મણિરાય વ્યાસ (૨૫ મે ૧૯૦૪ – ૧૩ જુલાઈ ૧૯૮૦) ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર હતા.[૧]
તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.[૨][૩]
હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ[૪], શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું હતું.[૫] તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી.[૬] આ વાર્તાઓ પાછળથી વાર્તાસંગ્રહ તરીકે પ્રકાશિત થઇ હતી. તેમાં સર્જનમાં બકોર પટેલ (૩૦ પુસ્તકો), ભેજાબાજ ભગાભાઇ (૬ પુસ્તકો), હાથીશંકર ધમધમિયા (૬ પુસ્તકો), ભોટવાશંકરના પરાક્રમો, સુંદર સુંદર (૬ પુસ્તકો), બાલગોવિંદ, હાસ્યવિનોદ, આનંદવિનોદનો સમાવેશ થાય છે. તેમણે ચાલો ભજવીએ શ્રેણી હેઠળ ૧૦ બાળનાટકો પણ લખ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શિર્ષકો હેઠળ લખ્યા હતા જેમાં હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, હાસ્યવસંત, કથાહાસ્ય, પત્નિની શોધમાં, આંધળે બહેરું, પોથીમાનાં રીંગણાંનો સમાવેશ થાય છે.[૨]