હસરત મોહાની | |
---|---|
![]() ૨૦૧૪ની ટપાલ ટિકિટ પર મોહની | |
જન્મ | સૈયદ ફઝ્લ-ઉલ-હસન 14 October 1878 મોહન, ઉન્નાઓ જિલ્લો, ઉત્તર પશ્ચિમ પ્રાંત, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 13 May 1951 લખનૌ, ઉત્તર પ્રદેશ, ભારત | (ઉંમર 75)
ઉપનામ | હસરત મોહાની |
વ્યવસાય | કવિ, સ્વતંત્રતા સેનાની, રાજનતિક, તત્ત્વચિંતક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સમયગાળો | ૨૦મી સદી |
લેખન પ્રકાર | ગઝલ |
વિષય | પ્રેમ અને તત્ત્વચિંતન |
સાહિત્યિક ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
હસરત મોહાની (૧૪ ઑક્ટોબર ૧૮૭૮ - ૧૩ મે ૧૯૫૧) એક ભારતીય કાર્યકર, ભારતીય સ્વતંત્રતા ચળવળના સ્વતંત્ર સેનાની, ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને ઉર્દૂ ભાષાના જાણીતા કવિ હતા.[૧] તેમણે ઈ.સ. ૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમદાવાદ સત્રમાં ઇન્કલાબ ઝિંદાબાદ ("ક્રાંતિ લાંબી જીવો!") નું સૂત્ર આપ્યું.[૨] [૩] સ્વામી કુમારાનંદ સાથે મળીને ઈ. સ. ૧૯૨૧ માં ભારત માટે પૂર્ણ સ્વરાજની માંગણી કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.[૪] [૫]
તેમનો જન્મ ૧૮૭૫ માં બ્રિટીશ ભારતના સંયુક્ત પ્રાંતના ઉન્નાવ જિલ્લામાં આવેલા મોહન ખાતે સૈયદ ફઝલ-ઉલ-હસન તરીકે થયો હતો. હસરત તેનું તક્ખલૂસ હતું જેનો ઉપયોગ તેમણે તેની ઉર્દૂ કવિતામાં કર્યો, જ્યારે તેમનીઅટક 'મોહની' તેમના જન્મસ્થળ મોહનને સૂચવે છે.[૩]
તેમના પૂર્વજો ઈરાનના નિશાપુરથી સ્થળાંતર કરી આવ્યા હતા.[૬] [૭]
હસરત મોહાનીએ આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. તેમણે કૃષ્ણ પ્રત્યે ઊંડો પ્રેમ દર્શાવતી કવિતાની કડીઓ પણ લખી,[૮] અને ઘણીવાર કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી માટે તેઓ મથુરા પણ જતા.[૧]
તેમણે મુહમ્મદાન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજ (અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી)માં અભ્યાસ કર્યો, જ્યાં તેમના કેટલાક સાથીઓ મૌલાના મોહમ્મદ અલી જૌહર અને મૌલાના શૌકત અલી હતા. તસ્લીમ લખનવી અને નસીમ દેહલવી તેમના કવિતાના શિક્ષકો હતા. તેમના સન્માનમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક હોસ્ટેલનું નામ તેમના નામ પર છે.[૧]
તેમના લખેલા કેટલાક પુસ્તકો છે કુલીઆત-એ-હસરત મોહાની (હસરત મોહાનીની કવિતાનો સંગ્રહ), શર્હ-એ-કલામ-એ-ગાલિબ (ગાલિબની કવિતાનો ખુલાસો), નૂક્ત-એ-સુખાન (કવિતાના મહત્વપૂર્ણ પાસાં), મુશહિદાત- ઇ-ઝિંદન (જેલમાં અવલોકન), વગેરે. ગુલામ અલી અને 'ગઝલ કિંગ' જગજીતસિંહે દ્વારા ગાયેલી એક ખૂબ જ લોકપ્રિય ગઝલ 'ચૂપકે ચૂપકે રાત દિન' તેમના દ્વારા લખાયેલી છે. તે ગીત ફિલ્મ નિકાહ (૧૯૮૨) માં પણ દર્શાવવામાં આવ્યું હતું. ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રખ્યાત સૂત્ર ઇન્કલાબ ઝિંદાબાદ, મોહનીએ ૧૯૨૧ માં રચ્યું હતું.[૯] [૧૦] [૩]
મોહની ઘણાં વર્ષોથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા અને ૧૯૧૯માં તેના પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગમાં પણ જોડાયા હતા. મોહનીએ મહમદ અલી ઝીણાના નેતૃત્વને ટેકો આપ્યો હતો પરંતુ ૧૯૪૭ માં ભારતના ભાગલા પછી ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય બન્યા જેણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. તેમણે બંધારણમાં મુસ્લિમ લઘુમતીઓ પ્રત્યે દંભ જોયો હતો. તેથી તેમણે ક્યારેય સહી કરી ન હતી. ભારતમાં રહેવાનું પસંદ કરનાર મુસ્લિમોના પ્રશ્નો વિવિધ મંચ પર રજૂ કરવા માટે હસરત મોહાનીએ પાકિસ્તાનમાં સ્થળાંતર કરવાને બદલે ભારતમાં રહેવાનું પસંદ કર્યું.[૪]
તેમણે ક્યારેય સરકારી ભથ્થા સ્વીકાર્યા ન હતા અથવા સત્તાવાર આવાસોમાં રોકાયા ન હતા. તેના બદલે તેઓ મસ્જિદોમાં રોકાતા અને સંસદમાં શેર ટાંગામાં બેસી જતા. તેઓ ધાર્મિક અભ્યાસ કરતા રહેનાર મુસલમાન હતા અને સરળ જીવન જીવતા હતા. મૌલાના અનેક વાર હજ (મક્કા, સાઉદી અરેબિયાની યાત્રા) માટે ગયા હતા. તેઓ રેલ ડબ્બાના ત્રીજા વર્ગમાં મુસાફરી કરતા. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેઓ ત્રીજા વર્ગની મુસાફરી કેમ કરે છે, ત્યારે તેમણે તુરંત ઉત્તર આપ્યો કારણકે તેમાં ચોથો વર્ગ નથી.[૧] [૪]
મોહનીએ ભારતીય સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધો અને અંગ્રેજોએ તેમને ૧૯૦૩માં લાંબા સમય મટે જેલમાં પુર્યા હતા. તે સમયે રાજકીય કેદીઓને સામાન્ય ગુનેગારોની જેમ માનવામાં આવતા હતા અને મજૂરી કરવાની ફરજ પડતી હતી.[૧]
ઈ.સ. ૧૯૦૪ માં, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા.[૧] ભારતીય ઈતિહાસમાં તેઓ પ્રથમ વ્યક્તિ હતા જેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના વાર્ષિક સત્રની અધ્યક્ષતામાં ૧૯૨૧ માં 'પૂર્ણ સ્વતંત્રતા'(આઝાદી-એ-કામિલ) ની માંગ કરી હતી. ડિસેમ્બર ૧૯૨૯ માં, 'સંપૂર્ણ સ્વતંત્રતા' માટેની તેમની ઝુંબેશ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના રૂપમાં પરિણમી. [૧૦]
બ્રિટીશ શાસનથી સંપૂર્ણ સ્વતંત્રતા પછી, મૌલાના હસરત મોહાની યુનિયન ઑફ સોવિયેત સોશિયાલીસ્ટ રિપબ્લિક (યુએસએસઆર)ની જેમ ભારતમાં એક સંઘીય સ્થાપના ઇચ્છતા હતા. તેઓ બ્રિટીશ શાસનમાંથી મુક્તિ પછી ભારતમાં સંઘીય બંધારણ જોવા માંગતા હતા. તેમની દરખાસ્તમાં છ સંઘો હતા: ૧. પૂર્વ પાકિસ્તાન; ૨. પશ્ચિમ પાકિસ્તાન; ૩. મધ્ય ભારત; ૪. દક્ષિણ-પૂર્વ ભારત; ૫. દક્ષિણ-પશ્ચિમ ભારત; અને 6. હૈદરાબાદ ડેક્કન. [૧૦]
તેઓ ઈ.સ. ૧૯૨૫ માં કાનપુર ખાતે ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપકોમાંના એક હતા.[૪] બ્રિટિશ વિરોધી વિચારોને પ્રોત્સાહન આપવા માટે, ખાસ કરીને ઇજિપ્તમાં બ્રિટીશ નીતિઓ વિરુદ્ધ તેમના મેગેઝિન 'ઉર્દૂ-એ-મ્યુલા' માં એક લેખ પ્રકાશિત કરવા બદલ, તેમને કેદ કરવામાં આવ્યા હતા. તે પછી, જોશ મલિહાબાદી જેવા કેટલાક ઉર્દૂ કવિઓ અને ઘણા મુસ્લિમ નેતાઓની જેમ, તેમણે વિવિધ મંચો પર ભારતીય મુસ્લિમોનો પક્ષ રજૂ કરવા માટે આઝાદી (૧૯૪૭) પછી પાકિસ્તાન જવાને બદલે ભારતમાં રહેવાનું પસંદ કર્યું. તેમના પ્રયત્નોને માન્યતા આપવા માટે, તેમને બંધારણ સભાના સભ્ય બનાવવામાં આવ્યા જેણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. પરંતુ અન્ય સભ્યોથી વિપરીત, તેણે તેના પર ક્યારેય સહી કરી નથી.
મૌલાના હસરત મોહાનીનું ૧૩ મે ૧૯૫૧ ના રોજ ભારતના લખનઉમાં અવસાન થયું.[૪][૩]
હસરત મોહાની મેમોરિયલ સોસાયટીની સ્થાપના મૌલાના નુસરત મોહનીએ ઈ. સ. ૧૯૫૧ માં કરી હતી. હસરત મોહાની મેમોરિયલ સોસાયટી ટ્રસ્ટ દ્વારા કરાચી, પાકિસ્તાનના સિંધમાં હસરત મોહાની મેમોરિયલ લાઇબ્રેરી અને હૉલની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે, તેમની પુણ્યતિથિ પર, આ ટ્રસ્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનની અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા સ્મારક સભા યોજવામાં આવે છે. [૧૦] પાકિસ્તાનના સિંધ, કરાંચીના કોરંગી ટાઉનમાં હસરત મોહાની કોલોનીનું નામ મૌલાના હસરત મોહાનીના નામ પર રાખવામાં આવ્યું હતું. કરાચીના નાણાકીય પરામાં તેના નામ પર એક પ્રખ્યાત રસ્તાનું નામ આપવામાં આવ્યું છે. [૪]
મહારાષ્ટ્રના થાણે જીલ્લાના મુંમ્બ્રામાં કાદર પેલેસમાં મૌલાના હસરત મોહાની નામની શેરી છે.
કાનપુરના ચમનગંજમાં મૌલાના હસરત મોહાની હોસ્પિટલ આવેલી છે. કાનપુરમાં મૌલાના હસરત મોહાની શેરી નામનો એક રસ્તો પણ છે. મૌલાના હસરત મોહાની ગેલેરી બિથૂર મ્યુઝિયમ ખાતે આવેલી છે.
કોલકતાની મોહની મેમોરિયલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ મેતીયાબુર્ઝનું નામ તેમના નામ પરથી રખાયું છે. [સંદર્ભ આપો] અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એક હોસ્ટેલનું નામ પણ તેમના નામે રાખવામાં આવ્યું છે.[૧૧]